મર્ડર@સુરત: 2 મિત્રોના પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખૂબજ વધી ગયા છે. સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ગત મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10થી 15 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે પાંચ મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી બે આશાસ્પદ યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. બંને મિત્રોની હત્યા પહેલાના CCTV પણ સામે આવ્યા છે.

લિંબાયતના સંજયનગરમાં રહેતો 30 વર્ષીય હર્ષલ અધિકારભાઈ પાટીલ અને વેડ રોડ બાપાસીતારામ ચોક ખાતે રહેતો 25 વર્ષીય ભટ્ટુ વનરાજભાઈ માળી બંને પાકા મિત્રો હતા. શનિવાર-રવિવારની મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ હર્ષલ અને ભટ્ટુ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર પાસે ચા પીવા માટે ગયા હતા. જ્યાં ચાની કિટલી પર કોઈ અજાણ્યા યુવકો સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો કે સામે પક્ષેથી 10થી 15 યુવકો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને પાંચેય મિત્રો પર હુમલો કરી દીધો હતો.

હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે હર્ષલને પીઠના ભાગે અને ભટ્ટુને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા મારી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ અન્ય મિત્રો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં હર્ષલ અને ભટ્ટુને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન પહેલા હર્ષલ પાટીલનું મોત નીપજ્યું હતું, જ્યારે રવિવારે વહેલી સવારે બીજા મિત્ર ભટ્ટુ માળીએ પણ દમ તોડી દીધો હતો. ગણતરીના કલાકોમાં બે આશાસ્પદ યુવકોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.