મર્ડર@સુરતઃ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી હદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટનાઓ સામે આવી છે. એક તરફ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રમજાનના પવિત્ર માસ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ 20 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ઉનામાં રસોઈ બનાવતા સમયે થયેલા ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી 3 સંતાનો પાસેથી માતાની છત્રછાયા છીનવી લીધી છે.
મળતી માહિતી મુજબ, 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડા દિવસો પહેલા જ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે.
ઘટનાની વિગત એવી છે કે રાંદેર વિસ્તારમાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું. જોકે, જમતી વખતે સુલતાન અહેમદ અને તેના પિતરાઈ ભાઈ અલ્લાહરખા ઉર્ફે આમીર શેખ વચ્ચે કોઈ જૂની કે સામાન્ય વાતને લઈને રકઝક શરૂ થઈ હતી. આ રકઝક જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં હત્યાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે, જમતી વખતે બોલાચાલી દરમિયાન આરોપી આમીર શેખે સુલતાનની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. પોતાની માતા માટે ખરાબ શબ્દો સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આમીરને ટોકતાં કહ્યું હતું કે, "તું મારી માને શા માટે આવા શબ્દો કહે છે?" બસ, આ જ વાત આમીરને ખૂંચી ગઈ હતી અને ગાળાગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
માતાના સન્માનમાં સુલતાને કરેલો વિરોધ આમીર સહન કરી શક્યો નહીં. આક્રોશમાં આવીને આમીરે ઘરમાં પડેલું તીક્ષ્ણ ચપ્પુ ઉપાડી લીધું હતું અને કંઈ પણ વિચાર્યા વગર સુલતાન પર હુમલો કરી દીધો હતો. આમીરે સુલતાનને ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દેતા સુલતાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતરાઈ ભાઈ અલ્લાહરખા ઉર્ફે આમીર શેખની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા. હાલ પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.
ઉનામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં રસોઈ બનાવી રહેલી 34 વર્ષીય પત્નીની પતિએ જ કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘર કંકાસમાં ઉશ્કેરાયેલા પતિ દેવસી બાંભણીયાએ પત્ની લાખુબેનના ગળાના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, જેના કારણે ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા જ ઉના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

