મર્ડર@સુરતઃ પત્નીનું મર્ડર કરી 5 દિવસ લાશ સાથે રહ્યો પતિ, જાણો સમગ્ર ઘટના વિશે

લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના સલાબતપુરા વિસ્તારમા કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. અંતે, 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ ઘૃણાસ્પદ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મૂળ આરોપી વિશાલ સાલવીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી. હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું હતું, જેથી લાશ સડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ન આવે.

હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી. વિશાલ સાલવીએ પાંચ દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા. શિલ્પાના પિતા પ્રદિપભાઇ કોસ્ટાએ જ્યારે ફોન કર્યો ત્યારે વિશાલે બનાવટી વાર્તા ઘડી કાઢી હતી કે, "મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારથી તે ગુમ છે." પિતા જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવીને તપાસમાં મદદ કરવાનો દેખાવ પણ કરતો હતો.

આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો. આ ચિઠ્ઠી તેના પિતા વિશાલે તેને આપી હતી અને ત્યારબાદ તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. ચિઠ્ઠીમાં વિશાલે કબૂલાત કરતા લખ્યું હતું કે, "મેં ગુનો કર્યો છે અને આ માટે હું પોતે જ જવાબદાર છું." આ સાથે જ તેણે હત્યાની તારીખ 20 એપ્રિલ અને લાશ ક્યાં છુપાવી છે, તેનું ચોક્કસ સરનામું પણ લખ્યું હતું.

જ્યારે પોલીસ અને પરિવારજનો ચિઠ્ઠીમાં દર્શાવેલા કાગજીની ચાલના મકાને પહોંચ્યા ત્યારે ત્યાંથી સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી શિલ્પાની કોહવાયેલી લાશ મળી આવી હતી.

પોલીસને મળેલી ચિઠ્ઠીમાં વિશાલ સાલવીએ લખ્યું હતું: "હું વિશાલ રણછોડભાઈ સાલવી, આથી જણાવું છું કે લગ્નના ત્રણ વર્ષ પછી મારી પત્નીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને અમારા સંબંધોમાં અણબનાવ શરૂ થયો. આ બધું હું લાંબા સમય સુધી સહન કરતો રહ્યો, પરંતુ આખરે કંટાળીને અને મજબૂર થઈને મેં આ ગુનો કર્યો છે. આ બાબતમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી, તમામ ગતિવિધિ મેં જાતે જ કરી છે."

મૃતક શિલ્પાના પિતાના જણાવ્યા મુજબ, વિશાલ કોઈ કામધંધો કરતો ન હતો, જેને લઈને દંપતી વચ્ચે સતત ઝઘડા થતા હતા. આ આર્થિક સંકડામણ અને ઘરખર્ચના ઝઘડાનું પરિણામ આ કરપીણ હત્યામાં પરિણમ્યું હતું.

આ ઘૃણાસ્પદ ગુનામાં શિલ્પા અને વિશાલના બે માસૂમ બાળકો, 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારા સૌથી વધુ ભોગ બન્યા છે. જે પિતા સાથે તેઓ પાંચ દિવસથી એક જ છત નીચે રહેતા હતા, તેમને ખ્યાલ પણ નહોતો કે તેમના પિતાએ તેમની માતાની હત્યા કરી તેને પેટીમાં પૂરી દીધી છે. હવે આ બાળકોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે.

ગોડાદરા પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લઈને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ આને એક સુનિયોજિત કાવતરું માની રહી છે અને ફરાર આરોપી વિશાલને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.