મર્ડર@સુરત: બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા યુવકની હત્યા, જાણો સમગ્ર ઘટના

સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. 
 
મર્ડર@સુરત: બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા યુવકની હત્યા, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાંથી મર્ડરની હૃદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય ફરીદ બંબાવાલા નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજવાને બદલે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો.

આ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતા તેઓ હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

મૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો, વૃદ્ધ માતા-પિતા અને ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમર કેદની માગ કરી છે.

જુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મોહમ્મદ અઝીમે  જણાવ્યું કે બાળકો-બાળકો વચ્ચેનો ઝઘડો હતો, તેમાં મારો ભાઈ સમજાવવા ગયો હતો. એટલી જ વારમાં તે લોકોએ પાછળથી તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ મારા પપ્પા પણ વાતચીત કરવા અને મામલો થાળે પાડવા ગયા હતા, પરંતુ મારા પપ્પાને પણ પાછળ કમરના ભાગે ચપ્પુ માર્યું છે. મારવાવાળા ત્યાંના મૌલાના આઝાદ છે, સદ્દામ છે, સિરાજ છે અને બીજો એક છે જેનું નામ મને ખબર નથી. એમ કુલ ચાર જણા હતા.

તેમની સજા એવી હોવી જોઈએ કે તેમના બંને ઘૂંટણ સુધીના પગ કાપી નાખવા જોઈએ. તેમને લાવારિસ ભિખારી બનાવી દો જેથી તે સિગ્નલ પર ભીખ માંગવા લાયક રહી જાય. આ સાથે તેમણે ઉંમર કેદની સજા કરવામાં આવે.

મૃતકના સંબંધી ભીખન મુન્શી શેખે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય બાબતનો ઝઘડો હતો, જે બાળકો-બાળકો વચ્ચે થયો હતો. આ ફરીદ નામનો છોકરો જેનું મૃત્યુ થયું છે તેમને સમજાવવા માટે ગયો હતો. મામલો ઘણો ગંભીર બની ગયો હતો એટલે રાત્રે જ અમે તેને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. તેના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ ઘટના કોસાડ આવાસ, H1 બિલ્ડીંગ નંબર 50 પાસે બની હતી. હુમલો કરનારાઓમાં મૌલાના આઝાદ, સિરાજ, મુસ્તાકીમ અને સદ્દામ નામના ચાર ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર બાળકોના ઝઘડામાં સમજાવવા જવાની બાબતે આટલું મોટું પગલું ભરી લેવામાં આવ્યું છે. પોલીસ અત્યારે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને અમને પોલીસ પર પૂરો ભરોસો છે કે તેઓ અમને ન્યાય અપાવશે. આરોપીઓની ઉંમર કેદની સજા થવી જોઈએ.