મર્ડર@સુરતઃ દિકરાએ માતા અને નાના ભાઈને પતાવી દીધા, જાણો સમગ્ર ઘટના

પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં ડબલ મર્ડર અને ફરી એકવાર લોહીયાળ સંબંધોનો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં 18 ઓક્ટોબરની સવારે એક જ પરિવારના બે સભ્યોની હત્યા કરવામાં આવી છે. મિલકતની વહેંચણી અને દુકાનોની ભાડાની આવકને લઈને ચાલતી તકરારમાં મોટા પુત્રએ માતા અને નાના ભાઈને ચપ્પુથી મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મૂળ તેલંગાણાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા તેલુગુ પરિવારના મૃતક મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને ત્રણ પુત્ર, શ્રીનિવાસ, રમેશ અને રાજુ છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના દીકરા રાજુ સાથે રહેતા હતા. મલેશ્વરીબેનના નામે ત્રણ દુકાનો છે, જેનું અંદાજે ₹60,000 જેટલું માસિક ભાડું નિયમિત આવે છે. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતી હોવાથી આ તમામ ભાડાની રકમ રાજુને આપતી હતી. આ વાતને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ અવારનવાર નારાજગી વ્યક્ત કરતો હતો અને મિલકત તેમજ આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવાની જીદ પકડીને બેઠો હતો.

આ અંગે ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, સહજાનંદ સોસાયટી પાસે એક માતા અને તેમના ત્રણ દીકરાઓ સાથે અહીંયા રહેતા હતા. મિલકતના ભાગ પાડવા બાબતે આ લોકોને ત્રણેય ભાઈઓ અને એના મધરને મનદુઃખ હતું. મૂળ એ લોકોના વારસાઈ અને ભાગ લેવા બાબતનો ઝઘડો છે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારે સામે આવ્યું છે.

થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી.

આ વિવાદે આજે સવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સવારે આશરે 7:30 વાગ્યાના અરસામાં શ્રીનિવાસ લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં જ ફરી એકવાર મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તકરાર એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવેલા શ્રીનિવાસે ચપ્પુ કાઢી નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરીબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં બંને જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને પગલે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વહેલી સવારે એક જ ઘરમાં બે સભ્યોની હત્યા થતાં સોસાયટીમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ મથકનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે.

મૃતક રાજુની ઇજાગ્રસ્ત પત્ની મમતાએ જણાવ્યું કે, મારા જેઠે મારી સાસુ અને મારા પતિને ચાકુથી માર માર્યો. ત્યાર પછી મને પણ મારવા આવી રહ્યો હતો. હું વચ્ચે પડી તો મારા હાથ પર ચાકુ મારી દીધું.

પહેલાં પણ બંને છોકરાઓ સાથે ઝઘડો થતો હતો. અમે જાગી ગયા હતા. હું બીજા રૂમમાં હતી. એ તો એકદમ ફ્રેશ જ દેખાતો હતો. પેન્ટ, બૂટ અને ટી-શર્ટ વ્યવસ્થિત પહેરીને જ આવ્યો હતો. મારા જેઠ ઉપર રહે છે. મોટાવાળાનું નામ સીનું છે. બીજો ભાઈ પણ એવો જ છે, એ પણ બહુ ઝઘડો કરે છે. બીજા ભાઈએ જ એને ચડાવ્યો હશે. બંને જણા મળીને મારી સાસુને ખૂબ ટોર્ચર કરતા હતા. પહેલાં પણ એકવાર મારવાનો પ્રયાસ કર્યો હતો, ગેસનો બાટલો લીક કરીને રૂમ બંધ કરી દીધો હતો.

મૃતકના બનેવી શ્રીનિવાસ કુશમાએ જણાવ્યું કે, મોટા અને બીજા નંબરનો સાળાએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. તેમના વચ્ચે પહેલાંથી જ ઝઘડો ચાલી રહ્યો હતો. કારણ એ હતું કે તે બંને નશો કરે છે અને જુગાર રમે છે. 4 વર્ષ પહેલાં જુગારમાં 8-10 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. તે દેવા માટે પહેલાં પણ ઝઘડો થયો હતો, ત્યારે તેમની માતાએ એ 8-10 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યું હતું. ત્યાર પછી છેલ્લા 2 વર્ષથી મિલકત બાબતે ફરી ઝઘડો ચાલી રહ્યો હતો. તેઓ કહેતા હતા કે મિલકત અમારા નામે કરી દો. આ જ બાબતે 2 વર્ષથી ફરી ઝઘડો ચાલતો હતો.

સવારે લગભગ 7 વાગ્યે મારો નાનો સાળો રાજુ સુતો હતો, ત્યારે તેના પર ચપ્પુથી હુમલો કર્યો. ગળા પર ચપ્પુના બે-ત્રણ ઘા માર્યા, પછી ઘરમાંથી બહાર આવ્યો હતો. ત્યાર પછી ઘરમાં જઈને તેની માતાની પણ હત્યા કરી દીધી. આ પહેલાં માતાને મારવાનો પ્રયત્ન કર્યો હતો હતો ત્યારે પોલીસ કેસ થયો હતો. પરંતુ સમાજમાં સમાધાન કરાવીને પતાવટ કરી લેવાઈ હતી. હવે ફરીથી આ પૈસા અને મિલકતના કારણે જ તેમની હત્યા કરી નાખી.

રાજુને એક દીકરી અને એક દીકરો છે. દીકરી 2 વર્ષની અને દીકરો 6 મહિનાનો છે. અમારી વહીવટી તંત્ર અને સરકાર પાસે એ જ માંગ છે કે ભવિષ્યમાં આ બાળકો પર પણ જોખમ થઈ શકે છે. નશાની હાલતમાં આવીને તેઓ બાળકોને પણ મારી શકે છે. તેથી આરોપીઓને આજીવન કેદની સજા થવી જોઈએ.

મારવાવાળો મોટો સાળો છે. પણ આયોજન મુજબ મોટો અને બીજા નંબરનો બંને મળીને આ કામ કર્યું છે. સવારે આવીને મોટાએ માર્યું છે. જેની હત્યા થઈ છે તે રાજુ ટેક્સટાઇલ માર્કેટમાં મોલ્ડિંગનું કામ કરતો હતો. મોટો ભાઈ લૂમ્સમાં કામ કરે છે અને બીજો છે તે પણ ટેક્સટાઇલમાં જ કામ કરે છે.