મર્ડર@અંજાર: આરોપીએ પૈસાની લેતીદેતી બાબતે છરી વડે ભરબજારે યુવકને રહેંસી નાખ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર હૃદય કંપાવી ઉઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે. અંજારમાં એક શ્રમિકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ બનાવની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં ફરી એક હત્યાની ઘટના સામે આવી હતી. બે યુવક એક જ બાઈકમાં જઈ રહ્યાં હતાં. ત્યાં રસ્તામાં એક યુવકે પૈસાની લેતીદેતી બાબતે રોડ વચ્ચે જ બબાલ કરીને પોતાની પાસે રહેલી છરી વડે ભરબજારે યુવકને રહેંસી નાખ્યો હતો. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી રાઉન્ડઅપ કર્યો હતો.
અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઇ હતી. સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં એક યુવક હાથમાં મોટા છરા સાથે એક વ્યક્તિ પર હુમલો કરે છે. જેને છોડાવવા માટે એક વ્યક્તિ વચ્ચે પડે છે, પરંતુ યુવકનું ઘટનામાં મૃત્યુ થઇ જાય છે. બનાવ અંજારના લોહારચોક વિસ્તારના મુખ્ય બજારમાં બન્યો હતો.
અંજાર પોલીસ મથકના પીઆઈ એ.આર.ગોહીલે વિગતો આપતા જણાવ્યું હતું કે, દેવીપુજક સમાજના બે વ્યક્તિઓ જગદીશભાઈ દાતણીયા દેવીપુજક અને કાનજીભાઈ દાતણીયા દેવીપુજક બંને એક જ વાહનમાં સાથે જતા હતા. દરમિયાન બંને વચ્ચે આજે પૈસાની લેતીદેતી મામલે ઝધડો થયો હતો. જે બાદ જગદીશભાઈ દાતણીયા દેવીપુજકને કાનજીભાઈ દાતણીયા દેવીપુજકે રસ્તા વચ્ચે ચપ્પુથી રહેંસી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યા કરનાર આરોપી કાનજીભાઈ દાતણીયા દેવીપુજકને રાઉન્ડઅપ કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.