મર્ડર@ઉના: ભાઈઓએ મનઘડત કાવતરું રચી બહેનની કરપીણ હત્યા કરી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમીન માટે ભાઈઓએ બહેનની હત્યા કરી.ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે માનવતાને શરમાવે તેવી અને લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈએ પોતાની જ બહેનને પ્રેમલગ્નની લાલચ આપી મનઘડત કાવતરું રચી તેની કરપીણ હત્યા કરી નાખી છે. પોલીસે 7 દિવસની સઘન તપાસ બાદ આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉંચકી બંને નરાધમ ભાઈ સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.
મૃતક યુવતી મનસુબેન હમાભાઈ ગોહિલ તેના માતા-પિતાના અવસાન બાદ ઘરે એકલી રહેતી હતી. તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાથી તેની પાસે વારસામાં મળેલી 12 વીઘા જમીન હતી. મનસુબેનને ગામના જ સતુભાઈ ખસીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. મનસુબેનની મિલકત પર નજર બગાડી બેઠેલા પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલને આ સંબંધ મંજૂર નહોતો.
આરોપી વિક્રમે મનસુબેનને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપશે. આ લાલચમાં આવીને ભોળી બહેને અડધી જમીન પિતરાઈ ભાઈ વિક્રમના નામે પણ કરી આપી હતી.
ગત તારીખ 20ના રોજ મનસુબેને તેના પ્રેમી સાથે ફોન પર વાત કરી હતી કે, તેના ભાઈઓ લગ્નની વાત કરવા માટે વિક્રમના ઘરે મિટિંગ રાખવાના છે અને તેને લેવા આવી રહ્યા છે. રાત્રિના સમયે વિક્રમ મનસુબેનને બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં મનુ અને વિક્રમે ભેગા મળીને મનસુબેનની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પાપ છુપાવવા માટે ભાઈઓએ 'હાર્ટ એટેક'નું નાટક રચ્યું હતું. કોઈપણ સગા-સંબંધી કે ગ્રામજનોને જાણ કર્યા વગર, ગણતરીના 7-8 લોકો ટ્રેક્ટરમાં લાશ લઈને નેસડાથી ઉના સ્મશાને પહોંચ્યા હતા. ત્યાં માત્ર અડધા જ કલાકમાં અંતિમ સંસ્કાર વિધિ પતાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મનસુબેનના પ્રેમી સતુને આકસ્મિક મોતના સમાચાર મળતા શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઉના પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, અલગ-અલગ લોકોના નિવેદનો નોંધ્યા અને FSLની મદદ લીધી. તપાસમાં બહાર આવ્યું કે, યુવતીનું કુદરતી મોત નહીં પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જેમાં વિક્રમે બહેનનું ગળું દબાવ્યું હતું, જ્યારે મનુએ તેના હાથ-પગ પકડી રાખ્યા હતા.
પોલીસે 7 દિવસમાં આ સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. હાલ વિક્રમ ગોહિલ અને મનુ ગોહિલ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે, આ જઘન્ય અપરાધમાં અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, જે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

