મર્ડર@વડોદરા: પુત્રની નજર સામે પિતાને માથામાં ફટકા મારી પતાવી દીધા, જાણો સમગ્ર બનાવ

ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
 
મર્ડર@વડોદરા: પુત્રની નજર સામે પિતાને માથામાં ફટકા મારી પતાવી દીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી મર્ડરની હૃદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે.પુત્રની નજર સામે પિતાની હત્યા:વડોદરામાં સાળા-બનેવીએ એક શખસને માથામાં ફટકા મારી પતાવી દીધો, હત્યારો મૃતકને નાનપણથી ઓળખતો હતો.

વડોદરા શહેરના ગોરવા ગામના ગેટ પાસે પુત્રની નજર સામે પિતાની હત્યા થઈ ગઈ છે. સાળા-બનેવીએ એક શખસને માથામાં ફટકા મારી પતાવી દીધો. ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સાળા સોહિલ રાણાની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે હત્યારો સંદીપ વાઘેલા મૃતક અમીજી ઘાંચીને નાનપણથી ઓળખતો હતો.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા આરીફ ઘાંચીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમભાઈ ઘાંચી ગોરવા ગામ ઇદગાહ શોપિંગ સેન્ટર ખાતે કે.જી.એન. ફર્નીચર નામની દુકાનમાં હાજર હતા. રાત્રિના આશરે સાડા 10 વાગ્યાના સમયે તેમના પુત્ર આરીફ અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહિમભાઈ ઘાંચીને પિતા અમીજી ઘાંચીએ જણાવ્યું હતું કે ગોરવા ગામના ચોકમાં આવેલા 'અપના પાનના ગલ્લા' પર પેલાએ બે લાફા માર્યા છે, તું ચાલ, જેથી પુત્રએ પિતાને ઘરે જવા કહ્યું હતું અને દુકાન બંધ કરવાની તૈયારી કરી હતી.

યુવકના પિતા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોરવા ગામના મુખ્ય રસ્તા પરના ગેટ પાસે બે વ્યક્તિ એક્ટિવા પર આવીને ઝઘડો કરવા લાગી હતી. પુત્ર આરીફ દોડતાં દોડતાં ત્યાં પહોંચ્યો હતો, ત્યાં જઈને જોયું કે આરોપી સંદીપ વાઘેલા અને સોહિલ રાણા  તેમના પિતા સાથે મારામારી કરી રહ્યા છે. સંદીપ વાઘેલાએ હાથા જેવું લાંબું હથિયાર લઈને મૃતકના માથા પર બે-ત્રણ ઘા માર્યા હતા, જેના કારણે તેઓ બેહોશ થઈને પડી ગયા. તેમને છાતીમાં પમ્પિંગ કર્યું હતું, તેમ છતાં તેઓ કંઈ બોલતા નહોતા.

આરીફે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ અવાજ આવતો ન હોવાથી મિત્ર સિરાજની ગાડીમાં તેમને ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફરિયાદમાં આરીફે જણાવ્યું છે કે મારામારીનું કારણ તેમને ખબર નથી. ગોરવા પોલીસે સાળા-બનેવી સંદીપ વાઘેલા અને સોહિલ રાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને એક આરોપી સોહેલની ધરપકડ કરી છે.

મૃતકના પુત્ર આરીફ ઘાંચીએ જણાવ્યું હતું કે અપના પાન સેન્ટર પર મારા પિતા ગયા હતા. ત્યાં શું માથાકૂટ થઈ એ મને વિગતે ખબર નથી, પણ જ્યારે તેઓ મારી ઓફિસ પાસે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે "પેલાએ મને બે લાફા માર્યા છે, તું મારી સાથે ચાલ, પરંતુ મેં તેમને શાંત પાડ્યા અને ઘરે જવા કહ્યું હતું. હું ઓફિસનો સામાન અંદર મૂકીને જેવો બહાર નીકળ્યો હતો, ત્યારે મેં જોયું કે ગોરવા પોલીસ સ્ટેશનની નજીક ગોરવા ગામના ગેટ સામે મારી નજર સામે જ મારા પિતા પર હુમલો થયો હતો. હુમલો કરનાર સંદીપ વાઘેલા અને તેનો સાળો સોહિલ રાણા હતા.

હું જેવો ત્યાં દોડીને પહોંચ્યો, એ બંને ત્યાંથી ભાગી ગયા હતા. મારા પિતા ત્યાં જ ઢળી પડ્યા હતા. મેં લગભગ 10 મિનિટ સુધી તેમને સીપીઆર  આપ્યું હતું, માઉથ-ટુ-માઉથ શ્વાસ આપવાની કોશિશ કરી હતી, પણ કોઈ હિલચાલ નહોતી. તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. મેં 108ને પણ 3-4 વાર ફોન કર્યો, પણ લાગ્યો નહીં, એટલે હું મારા મિત્રની ગાડીમાં તેમને ગોત્રી હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

તેણે કહ્યું હતું કે કોઈ જૂની અદાવત નહોતી. સંદીપ વાઘેલા મારા પિતાને બાળપણથી ઓળખતો હતો, પણ મારા પિતાને અંદાજ નહોતો કે તે તેમના પર આવો જીવલેણ હુમલો કરશે. મેં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. મારી માંગણી છે કે આ બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે.