મર્ડર@વડોદરા: પત્નીની નજર સામે જ પતિને તિક્ષણ હથિયારન ઘા ઝીંકી હત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. વડસર ગામમાં આવેલા ભાલિયાવાસમાં રહેતા 30 વર્ષીય ગિરીશ ભાલીયા નામનો યુવાન પોતાની પત્ની અને પરિવાર સાથે કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં અગાઉથી જ હાજર ઘાતકી તત્વોએ જૂની અદાવતનો ખાર રાખીને પ્લાન બનાવીને ગિરીશને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ કોઈ પણ ડર વગર, પત્નીની નજર સામે જ ગિરીશ પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પત્નીએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારા ગિરીશને પાછો લાવી આપો. તો યુવકની માતાએ પણ દીકરાના મૃત્યુને પગલે આક્રંદ કર્યું હતું.
હત્યાના કારણે એક હસતો-રમતો પરિવાર ઉજ્જડ થઈ ગયો છે. મૃતક ગિરીશ પોતાના માતા-પિતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો, જેના મોતના સમાચાર સાંભળતા જ વૃદ્ધ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે.

