મર્ડર@વડોદરા: નવરાત્રિમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી મર્ડરની ઘટના સામે આવી છે.વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવમાં હત્યાની ઘટના સામે આવી છે. પાર્ટી પ્લોટની બહાર મોડી રાત્રે 26 વર્ષીય નિલેશ વણઝારાને અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. જૂની અદાવતમાં નિલેશની હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ DCP અભિષેક ગુપ્તા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
યુવકની હત્યાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે. મૃતકની માતાએ આક્રંદ સાથે જણાવ્યું કે, મારા દીકરા નિલેશ... મારા રાજા બાબુ...પાછો આવી જા મારા દીકરા... તારા વિના તારી આ મમ્મી સુની છે, મારા બેટા...
કપુરાઈ પોલીસ ઉપરાંત LCB અને DCB સહિતની પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા મૃતક યુવકના રહેઠાણ અને કામના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મોબાઇલ ફોનની વિગતો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હત્યાના ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયો છે. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પણ સંભવિત આરોપીઓની શોધખોળ કરાઈ રહી છે.
યુવકની હત્યાને પગલે તેના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના માતા સહિતના સ્વજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ, પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને તેમાં કોણ સંડોવાયેલું છે, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, પાર્ટી પ્લોટની સામેના રોડ ઉપર નિલેશભાઈ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ બાબતે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીબીની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી ચાલુ છે અને અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

