મર્ડર@વડોદરા: 'તું અહીંનો દાદા થઇ ગયો છે' તેમ કહી આરોપીએ યુવકની હત્યા કરી

યુવકને ચપ્પાના ઘા મારી પતાવી દીધો

 
મર્ડર@વડોદરા: 'તું અહીંનો દાદા થઇ ગયો છે' તેમ કહી આરોપીએ યુવકની હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે જગાડીને એક બીજાને જાનથી મારી નાખે છે. વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા ચાણક્યનગરીમાં રહેતા શર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઇ ઠાકોર (ઉં.વ.19)એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 9 મેને ગુરુવારે હું અને મારો ભાઈ પવન તથા મારી માતા રેણુકાબેન સાંજના ઘરે હતાં. રાતે પરિવાર સાથે જમ્યા બાદ સાડા નવ વાગ્યે મારો ભાઈ અમારા બ્લોકમાં ઉપરના માળેથી નીચે ઉતર્યો હતો. હું ઘરમાં હતી અને ત્યાર પછી હું પણ અમારા બ્લોકમાંથી નીચે ગઇ હતી. જ્યાં હું અને મારો ભાઇ અમારા બ્લોક નીચે બેઠા હતાં. અમારા ચાણક્યનગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાથી ત્યાં ગરબા જોઈ રહ્યાં હતા.


આ સમયે પ્રકાશનો નાનોભાઈ અજય મારા ભાઈ પવન પાસે રાત્રિના 10.30 વાગ્યે આવ્યો હતો. તેણે મારા ભાઈને જણાવ્યું હતું કે, હોળી-ધુળેટી વખતે મારાભાઇની બાઈક સાથે કાર એક્સિડેન્ટ થયો હતો, ત્યારે કારવાળાનું ઉપરાંણુ લઇને મારા ભાઇ સાથે તે અને તારા મોટા પપ્પાના દીકરાઓએ કેમ ઝઘડો કર્યો હતો? ‘તું અહીંનો દાદા થઇ ગયો છે, તારી દાદાગીરી વધતી જાય છે’ તેમ કહી તારા જેટલા માણસો હોય તેટલા માણસો બોલાવી લે. આજે તને છોડીશું નહીં તેવી ધમકી આપી હતી.


આ દરમિયાન અજયની માતા હંસાબેન સોમાભાઇ રોહિત પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ મારા ભાઇ પવનને ગાલ ઉપર લાફો મારી દીધો હતો અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વખતે મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર્થ આવી ગયા હતા. પ્રકાશનું લગ્ન હોવાથી આપણે ઝઘડો તકરાર કરવો નથી, તેવુ કહીને તેઓએ અમને અમારા ઘરે જતા રહેવાનું કહેતા હાર્દિક અને પાર્થ તેઓના ઘરે જતા રહ્યાં હતાં. હું અને મારો ભાઈ અમારા ઘરે જતા હતા, ત્યારે બ્લોક નં.8, મકાન નં-17 સામેથી રાત્રિના 11.15 વાગ્યે પસાર થતા હતા. ત્યારે પાછળથી પ્રકાશ અને તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા.


પ્રકાશ અને તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજયે તેના હાથમાં રાખેલ ચપ્પા વડે મારા ભાઇને શરીરના પાછળના ભાગે ઘા માર્યા હતાં. મારા ભાઈને ડાબા ખભા ઉપર, ગળાના ભાગે, બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા-છાપરી ચપ્પાના ઘા માર્યા હતાં. જેથી મારા ભાઇને લોહી નીકળવા લાગ્યુ હતું અને તે બેભાન થઇને પડી ગયો હતો. તે વખતે ત્યાં મારા મોટા પપ્પા સુરેશભાઈ મગનભાઈ ઠાકોર તેમના દિકરા હાર્દિક અને પાર્થ, મારી માતા રેણુકાબેન તથા મારી મોટી મમ્મી દક્ષાબેન આવી ગયા હતા. જેથી અજય, પ્રકાશ અને તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતાં.


જે બાદ મારા મોટા પપ્પા સુરેશભાઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા ભાઇ પવનને લઇને હું, મારી માતા અને મોટી મમ્મી દક્ષાબેન સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે રાત્રિના 11.45 વાગ્યે મારા ભાઈને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મેં આટલાદરા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ, અજય અને તેની માતા હંસાબેન સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે મૃતકના સંબંધી અપેક્ષાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કેટલાક લોકો આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. પવનને ચપ્પાના ઘા મારી દીધા હતા. સામે પછી આવેલી મહિલાઓએ પથ્થરો પણ માર્યા હતા. અમને પવન માટે ન્યાય જોઈએ છે. આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.