મર્ડર@અમદાવાદ: પ્રેમીએ મિત્ર સાથે મળી સગીર પ્રેમિકાની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેતાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરખેજ વિસ્તારમાં રહેતા પ્રેમીએ તેના મિત્ર સાથે મળી સગીર પ્રેમિકાની હત્યા નીપજાવી પ્રેમીએ લાશને કેનાલમાં ફેંકી દેતાં ચકચાર મચી છે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે, જ્યારે હત્યામાં મદદગારી કરનાર તેના મિત્રને એલસીબી પાઈ વાય.પી.જાડેજાની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નરીમનપુરા કેનાલમાં યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. લાશને જોઈને પ્રાથમિક રીતે આપઘાત કર્યાનું લાગ્યું હતું. પરંતુ શરીર પર ઈજાનાં નિશાન હોઈ, બનાવ શંકાસ્પદ લાગ્યો હતો. લાશની ઓળખ કરી ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતકનાં પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકનાં માતાએ લાશની ઓળખ કરી હતી અને તેની ઉંમર ફક્ત 15 વર્ષની જ હોવાનું પોલીસને જણાવ્યું હતું. સગીરાના ગળા અને મોઢાના ભાગે ઈજાનાં નિશાન મળ્યાં હતા.
મૃતક સગીરાની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. મૃતક સગીરા અને તેનો પરિવાર પણ સરખેજ વિસ્તારમાં જ રહેતો હતો, પરંતુ સગીરાને અજય ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં પરિવારજનો બદનામીના ડરે સરખેજથી ખંભાત રહેવા જતાં રહ્યાં હતાં. એક મહિના પહેલાં સગીરા તેનાં પરિવારજનોને કહ્યા વગર જ બર્થ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય સાથે રહેવા લાગી હતી.
M ડિવિઝન એસીપી એ.બી. વાળંદે જણાવ્યું હતું કે સરખેજ પોલીસે હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હિતેશ ઠાકોર મુખ્ય આરોપી અજય ઠાકોરનો મિત્ર છે. 13 ઓક્ટોબરના રાતના સમયે કેનાલ પાસે અજય, હિતેશ અને સગીરા હાજર હતાં. ત્યારે અજય અને સગીરા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અજયે હિતેશને સગીરાના હાથ પકડવા કહ્યું હતું, જે બાદ અજયે પોતાની પાસે રહેલી છરી સગીરાના ગળે મારી હતી. છરી મારતાં જ હિતેશ ત્યાંથી નાસી ગયો હતો, જ્યારે અજયે બોથડ પદાર્થ માથામાં મારીને સગીરાની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યાના બનાવ બાદ અજય ફરાર થઈ ગયો છે, જ્યારે હિતેશની ધરપકડ કરવામાં આવી છે.

