મર્ડર@ભાવનગર: નાણાંકીય લેવડદેવડમાં તીક્ષણ હથિયારો વડે યુવાનની હત્યા, જાણો સમગ્ર બનાવ
શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં નાણાંકીય બાબતે 4 શખસોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કરી મોહિત નરેશભાઈ ટેભાણી નામના યુવાનની હત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.
કરચલીયા પરામાં ધનાનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહિત નરેશભાઈ ટેભાણીને આ વિસ્તારમાં રહેતા કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી.
ગઈકાલે રાત્રે 11:30ના સમયે મૃતક મોહિત તેના મિત્ર સાથે આ જ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરી તેના પર છરી સહિતના તીક્ષણ હથિયારો વડે આડેધડ ઘા ઝીંકી બાઈક તથા સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા. લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા મોહિતને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતકના પિતાનું પણ ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું છે. મૃતક તેની માતા, બહેનો, પત્ની તથા પુત્ર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ બનાવની જાણ થતાં ગંગાજળીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈને મૃતકના કાકા મહેશ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

