મર્ડર@ગુજરાત: પતિએ પોતાની પત્નીને નદીમાં ફેકી દીધી, પાડોશીએ ભાંડો ફોડ્યો

પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી 
 
 મર્ડર@ગુજરાત: પતિએ પોતાની પત્નીની  હત્યા કરી નદીમાં ફેકી દીધી, પાડોશીએ ભાંડો ફોડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. મહેમદાવાદના વડદલા ગામમાં પતિએ પોતાની પત્નીની જ હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ છે. પતિને પત્ની સાથે મનમેળ ન થતા છુટાછેડા લેવા માંગતા પતિએ પત્નીને બાઇક પર બેસાડી મહિસાગર નદી પાસે લઈ જઈ પત્નીને નદીના પાણીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં પોતાના સાળા પોલીસને સામેથી ફોન કરીને પોતાની પત્ની ગુમ થઇ હોવાની જાણ કરી હતી. આ ઉપરાંત આરોપી પોતાની પત્નીની શોધખોળમાં પણ સાથે રહ્યો હતો. જોકે, પાડોશીએ ભાંડો ફોડી દેતા સાળાએ બનેવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


દસક્રોઈ તાલુકાના હરણીયાવ ગામે રહેતા નવલભાઈ વિષ્ણુભાઈ પરમારની સૌથી નાની બહેન હેતલ ઉર્ફે મિતલબેનના લગ્ન આજથી પાંચ વર્ષ અગાઉ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા રાજેશ અશોકભાઈ જાદવ સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા‌. સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હેતલને સારા દિવસો રહેતા ચાર વર્ષ પહેલા એક પુત્રીનો જન્મ થયો હતો. આ પુત્રીના જન્મ બાદ છેલ્લા દોઢ વર્ષથી હેતલ જ્યારે પોતાના પિયર આવે એટલે પોતાના પતિના ત્રાસ બાબતે હકિકત કહેતી હતી અને અંતે કટાળીને પિયરમાં જ રહેવા આવી ગઈ હતી. જોકે પિયરના માણસો આજે નહીં પણ કાલુ સારૂ થઈ જશે તેમ આશ્વાસન આપી સાસરે મોકલતા હતા. ગયા દોઢ માસ અગાઉ હેતલ તેની પુત્રી લઈને પોતાના પિયરમાં આવી પહોંચી અને સગા મોટાભાઈ નવલને પતિના ત્રાસની તમામ હકીકતો જણાવી હતી.આ બાબતે પત્નીએ મહેમદાવાદ પોલીસમાં પણ સુલેહ ભંગની અરજી આપી હતી. જોકે એ બાદ પતિ રાજેશ કહ્યું હવે આવુ ફરીથી નહીં થાય તેમ કહી સુખદ સમાધાન કર્યું હતું. આ પછી હેતલના સાસુ, સસરા હેતલને કડાદરા ગામે રહેવા લઈ ગયા હતા. જ્યારે મનમેળ ન બેસતા પતિ રાજેશ જાદવ મહેમદાવાદના વડદલા ગામે રામપુરા ભાઠા વિસ્તારમાં રહેતા હતા.


ગત 28 મે 2024ના રોજ નવલભાઈના ઘરે માતાજીના બાધાના ગરબા રાખેલા હોય હેતલ પોતાના સસરા સાથે ત્યાં આવી હતી. જોકે સસરા કામને લઈને પ્રસંગ પતાવી નિકળી ગયા હતા. બાદમાં રોકાયેલી હેતલને લેવા તેનો પતિ આવ્યો હતો. 4 જુનના રોજ આ રાજેશ તેની પત્નીને તેડી ગયો હતો અને સુધરી ગયો હોવાનું માની હેતલ પોતાની પુત્રી સાથે વડદલા આવી ગઈ હતી. દરમિયાન બીજા દિવસે એકાએક નવલભાઈ પર પોતાના બનેવી રાજેશનો ફોન આવ્યો અને કહ્યું કે, તમારી બહેન ક્યાંક ગુમ થઈ ગઈ છે. અને ભાણી બાબતે તેમણે પુછતા ભાણી બાજુના ઘરમા છે તેવી હકીકત કહી હતી. રાત્રે લાઈટો ન હોવાથી ગરમીના કારણે પુત્રીને બાજુના ઘરમાં સુવડાવી અને હું અને તમારી બહેન સાથે સુતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સવારે ઉઠતા હેતલ ગાયબ હતી. આ બાદ સાળા, બનેવીએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યા હેતલની ભાળ મળી આવી નહોતી.


આથી રાજેશે આ બાબતે ખુદ મહેમદાવાદ પોલીસમાં પોતાની પત્ની ગુમ થયાની જાહેરાત દર્જ કરાવી હતી. દરમ્યાન પોલીસથી જાણવા મળેલ કે કોઈ અજાણી મહિલાનો મૃતદેહ ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મહિસાગર નદીના પાણીમાંથી મળી આવ્યો છે. જેથી ખરાઈ કરવા નવલભાઈ અને તેમના કૌટુંબિક લોકો ઉપરોક્ત ઠેકાણે દોડી આવ્યા હતા. જ્યાં કપડાના આધારે મહિલાના મૃતદેહની ઓળખ કરી હતી અને આ મૃતદેહ હેતલનો હોવાનું જાણવા મળ્યું હતું.


આ બાદ નવલભાઈ પોતાના બનેવી જ્યાં રહેતા હતા તે વડદલા ગામે પહોંચી તપાસ કરતા પડોશી દ્વારા માલુમ પડ્યું કે, બનાવની રાત્રે રાજેશ જાદવ પોતાનું બાઇક લઈને પોતાની પત્નીને બેસાડી ક્યાંક ગયો હતો જે બાદ બીજા દિવસે સવારે એકલા રાજેશને ખાટલામાં સુતા જોયા હતા. જેથી નવલભાઈ અગાઉ પોતાની બહેન સાથે થયેલા પતિના અત્યાચાર મામલો જાણતા હોય અને છૂટાછેડા લેવા ઈચ્છતા પતિએ હેતલને બાઇક પર બેસાડીને મહિસાગર નદીમાં ધક્કો મારી દીધા હોવા બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોધાવી છે. પોલીસે હત્યા તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોતાની પત્નીને નદીના બ્રીજ પર લઈ જઈને બ્રીજ પરથી ધક્કો માર્યો હતો. મૃતક હેતલ ઉર્ફે મિતલએ બ્રીજની પાઈપ પકડતા પતિએ નખ મારી છોડાવી નદીમાં પાડી દીધી હોવાની કબૂલાત કરી છે. આ સમયે પણ મૃતક હેતલ ઉર્ફે મિતલ બચાવો બચાવોની બુમો પાડી રહી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.


આ બનાવ મામલે નવલભાઈ સાથે ટેલીફોન વાત કરતા તેમણે આક્રંદ અવાજે કહ્યું કે, મારા બનેવીએ વાસદ બ્રીજ પર મારી બહેનને લઈ ગયો અને ત્યાંથી મારી બહેનને ધક્કો મારી મોત નિપજાવ્યું છે. બાદમાં કોઈ અણસાર ન આપી અમારી સાથે શોધખોળ પણ કરતો હતો. છેલ્લા પંદર દિવસથી અમારા ગળામાંથી અન્નનો કોળિયો નથી ઉતરતો, મારી દીકરીના મોતથી અમે ગળાડૂબ શોકમાં ડૂબી ગયા છે. મારા પિતા 9 વર્ષ પહેલાં હાર્ટએટેકથી ગુજરી ગયા હતા, તો મારી માતાનું પણ પિતાના અવસાનના 3-4 વર્ષ પછી બલ્ડ કેન્સરની બીમારીથી અવસાન થયેલ હતા. હવે મારી બહેનના જીવ ગયો છે.