મર્ડર@ગુજરાત: જમાઇએ સાસુની હત્યા કરી અને મૃતદેહ જમીનમાં દાટી દીધો
જમાઇની અટકાયત કરી મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના બનાવો સામે આવતા હોય છે. કાંકરેજ તાલુકાના કંબોઇના શખ્સે દસ દિવસ અગાઉ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામેથી પોતાની સાસુને ભાઇની સગાઇ જોવાના બ્હાને લઇ ગયો હતો. દરમિયાન તેણી ઘરે પરત ન આવતાં વાગડોદ પોલીસ મથકે ગુમ થયાની અરજી આપી હતી. જેની તપાસમાં જમાઇએ સાસુની હત્યા કરી મૃતદેહ કંબોઇ નજીક જમીનમાં દાટી દીધો હોવાનું સામે આવ્યું હતુ.પોલીસે મંગળવારે જમાઇની અટકાયત કરી મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો હતો.
બુકોલીના નારણભાઇ સગરામભાઇ રાવળના લગ્ન સરસ્વતીના મુના ગામે ધનાભાઇ અને માલીબેન રાવળ ની પુત્રી ચેતનાબેન સાથે થયા હતા. તેણી સાસરીમાં આણે આવતી હતી. દરમિયાન 15 સપ્ટેમ્બર 2024ના દિવસે નારણ રાવળ તેની સાસરીમાં મુના ગામે ગયો હતો. અને પોતાના ભાઇની સગાઇ જોવા માટે ભાણસણ ગામે જવાનું કહી સાસુ માલીબેનને સાથે લીધા હતા. જ્યાં કંબોઇ ગામ નજીક સાસુની ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. અને ખાડો ખોદી મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો.જે પછી નારણ સાસરીમાં પરત આવ્યો હતો. જોકે, દસ દિવસ સુધી સાસુ પરત ન આવતાં સસરા ધનાભાઇએ વાગડોદ પોલીસ મથકે ગુમસુદાની અરજી આપી હતી. જેની તપાસમાં પોલીસે નારણ રાવળની પુછપરછ કરી હતી. જેમાં તેણે સાસુની હત્યા કરી હોવાની કબુલાત કરતાં પોલીસે અટકાયત કરી હતી અને મંગળવારે જમીનમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલાયો હતો.
રસોડાના કામે ગયા છે તેવું બહાનું બનાવ્યું સાસુની હત્યા કરી મૃતદેહને ખાડામાં દાટી નારણ સાસરીમાં પરત આવ્યો હતો. જ્યાં તેના સસરા ધનાભાઇએ એકલો આવવા બાબતે પૃચ્છા કરતાં સાસુ રસોડામાં મજુરીના કામે ગયા છે. ચાર પાંચ દિવસમાં પરત આવી જશે તેમ કહ્યું હતુ. જોકે, તે સમય બાદ પણ પરત ન આવતાં પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
પત્નીને સાસરીમાં મોકલવાની ના પાડતી હોઇ હત્યા કરી શિહોરી પીઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતુ કે, નારણ રાવળના લગ્ન થોડાક માસ અગાઉ જ થયા હતા. નારણ સાસરીમાં પત્નીને તેડવા જાય ત્યારે સાસુ તેણીને સાથે મોકલવાની ના પાડતા હતા. આથી મનોમન હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યારાને ઝડપી લેવાયો છે.