મર્ડર@સુરત: તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, જાણો સમગ્ર ઘટના
પાંડેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે મોડી રાત્રે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. સુભાષ સુરેશ લાંડગે નામના એક યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ લાંડગે વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પગલે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે. મૃતક સુભાષ લાંડગે અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ ચાલતો હોવાની શંકા છે, જેના કારણે બોલાચાલી થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ અંગેની વધુ વિગતો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે.
પાંડેસરા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરી છે. આ સનસનાટીભર્યા હત્યાના બનાવને પગલે પાંડેસરા વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે, ત્યારે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે.

