મર્ડર@સુરેન્દ્રનગર: 3 શખ્સે મળી પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરનો બનાવ સામે આવતો હોય છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના વરમાધાર ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા ઘુઘાભાઈ દાનાભાઈ કોળી, તેમના પત્ની અને પુત્ર ભાવેશ પર ત્રણ શખ્સોએ હથિયારો વડે હુમલો કરતા ભાવેશનું અને ત્યારબાદ સારવાર દરમિયાન ઘુઘાભાઈનું મોત નિપજતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો. જ્યારે ઘુઘાભાઈના પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ડબલ મર્ડરની ઘટના અંગે મળતી માહિતી મુજબ મૃતક યુવાન ભાવેશે થોડા સમય પહેલા સંગીતા નામની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેની સાથે રહેતો હતો. સંગીતાના લગ્ન દિનેશ નામના યુવક સાથે થયા હતા. સંગીતા અને ભાવેશ બંને મૈત્રીકરાર કરી સાથે રહેતા હોય દિનેશ સહિતના પરિવારજનો નારાજ હતા. જનું મનદુઃખ રાખી દિનેશ સાપડા, જેસા નરસી અને સંગીતાનો ભાઈ દિનેશ સુખાભાઈએ સાથે મળી ભાવેશ, તેના પિતા અને માતા પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય લોકોને શરૂઆતમાં થાનગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે ઘુઘાભાઈ અને તેમના પત્નીને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ઘુઘાભાઈનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીની હાલ સારવાર ચાલી રહી છે.
આ મામલે સુરેન્દ્રનગર એસપી ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, થાનગઢના સરસાણામાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં જે મૃતક ભાવેશ નામનો યુવક છે તેને વરમાધારની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા. આ બંને ચોટીલા પોલીસ સ્ટેશનના સરાઈ ગામે રહેતા હતા અને દિવાળી કરવા સરસાણા આવ્યા હતા. જે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા તેના લગ્ન અગાઉ થયા હતા અને સાસરેથી પરત આવેલી હતી. ગતરાત્રિએ સંગીતાનો ભાઈ, તેનો પૂર્વ પતિ અને પિતાએ મળી સરસાણા ગામે છરી જેવા તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ભાવેશનું થાનગઢ હોસ્પિટલે લાવતા મૃત્યુ થયું હતું જ્યારે તેના પિતાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં ત્રણ લોકો સંડોવાયેલા જે જેઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ સાત ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.