દુર્ઘટના@સુરત: ઘરમાં અચાનક આગ ફાટી નીકળતાં દિવ્યાંગ યુવતીનું રહસ્યમય મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગ લાગવાના કેટલાક ભયાનક બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતમાં હચમચાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં એક મકાનનાં રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટમાં ખાટલામાં સૂતેલી 24 વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે જ સળગીને મોત થયું હતું. બુમાબુમથી જ્યારે પાડોશીએ યુવતીને બચાવવા ગયા ત્યારે ઘરને અંદરથી બે તાળા મારેલાં હતાં. આ સાથે જ યુવતી જ્યારે સળગી રહી હતી તે સમયે તેની માતા પણ બહાર બેસેલી હતી. હાલ પરિવારની એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તરપ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી બમરોલી રોડ ખાતે આવેલા સત્યનારાયણ નગરમાં 24 વર્ષીય અંજલિ રાકેશ તિવારી નામની યુવતી પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા અને પિતા છે. પિતા ડાઈંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગતરોજ રાત્રે પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે હાજર હતા. અંજલીની માતાની માનસિક સ્થિતિ સારી નથી.
થોડા મહિનાઓ પહેલા અંજલી બંને પગથી દાઝી ગઈ હતી, જેથી તેની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ અંજલિને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અંજલિ હલનચલન ન કરી શકતી હોવાથી એક રૂમમાં જ રહેતી હતી. ગતરોજ રાત્રે અંજલી તેના રૂમમાં જ હાજર હતી. પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરના હોલમાં હાજર હતા.
અંજલિના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, અંજલી હલનચલન ન કરી શકતી હોવાથી પોતાનો બચાવ કરી શકી ન હતી, જેથી અંજલિ તેના ખાટલા સાથે જ સળગવા લાગી હતી. ત્યારબાદ આ અંગે માતાને જાણ થતા ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી હતી જોકે ત્યાં સુધીમાં બહુ સમય વેડફાઈ ગયો હતો. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ આડોસ-પાડોશમાં રહેતા લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગના પગલે અંજલિનું ખાટલા સાથે સળગીને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું સળગી જવાથી જ મોત નીપજ્યું છે. જોકે શંકાના પગલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ઘરમાં રહેલા 15000 રૂપિયા પણ સળગી ગયા હતા. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ હોવાના કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી. જેથી પાંડેસરા પોલીસના જવાનો દ્વારા આ પરિવાર માટે દીકરીની અંતિમ ક્રિયા માટે પણ રૂપિયાનો ફાળો કરીને પરિવારને આપવામાં આવ્યો હતો.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જ્યારે આગ લાગી ત્યારે સળગતી આ યુવતીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ બચાવવા માટે દોડી ગયા હતાં. જ્યારે પાડોશીઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રૂમને બહારથી બે તાળા મારેલા હતા. પાડોશીઓએ આ બંને તાળા તોડીને અંદર પ્રવેશી આગને બુઝાવી દીધી હતી. જ્યારે દીકરી ખાટલા પર સળગી રહી હતી, ત્યારે તેની માતા બહાર હોલમાં જ બેસેલી હતી. આ જોઈને માતા સામે પણ પાડોશીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, બહારથી બે તાળા મારેલા હતા અને અંદર યુવતી સળગી જતા પહેલા તો મર્ડરની જ આશંકા થઈ હતી. ત્યારબાદ યુવતીના પિતાનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેની પત્નીની માનસિક સ્થિતિ સારી નથી. ક્યારે દીકરી પણ બંને પગે દાઝી જવાના કારણે હલનચલન કરી શકતી નથી, જેથી એક રૂમમાં ખાટલામાં જ પથારીવસ છે. પિતા તેને ઊંચકીને તેની તમામ રોજિંદી ક્રિયાઓ કરાવે છે.
યુવતીના પિતાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, પત્નીની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે જ્યારે નોકરી પર જાય છે, ત્યારે દીકરીના રૂમને તાળું મારીને જાય છે. ગત રાત્રે પણ નાઇટ પાળી હોવાથી તે ડાઈન મીલમાં નોકરી પર ગયા હતા. જ્યારે સવારે ચારથી પાંચ વાગ્યા આસપાસ દીકરીના રૂમમાં અચાનક આગ લાગી ગઈ હતી અને તેનું સળગીને મોત થયું હતું. પિતાના નિવેદન બાદ પોલીસે એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં પણ આગ લાગવાથી જ મોત થયું હોય તેવું અનુમાન છે. જોકે, પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.