બેદરકારી@વડોદરા: ગાંઠની સર્જરી દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું, તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી તબીબની બેદરકારીની ઘટના સામે આવી છે. તબીબની બેદરકારીન કારણે કિશોરીનું મોત નીપજ્યું હતું.વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમા તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુઃખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલૂમ પડ્યું હતું. જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ, કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલી પાર્થભૂમિ સોસાયટી વિભાગ એકમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. દિવાળી અગાઉ પેટમાં ગાંઠ હોવાથી કિશોરીનું સોમા તળાવ હર્ષલ હોસ્પિટલમાં સર્જરી કરી ગાંઠ બહાર કાઢી હતી. દરમિયાન તબીબને ભૂલથી પેટમાં કોટનનું કપડું રહી જતા એક અઠવાડિયા પછી બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.
બાદમાં પરિવારે બાળકીને મકરપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તબીબે આ બાળકીના ઓપરેશન બાદ પણ પેટમાં દુખતા સોનોગ્રાફી કરાવી હતી. જેમાં બાળકીના પેટમાં સર્જરી દરમ્યાન એક કોટનનું કપડું રહી ગયું હતું. આ અંગે અગાઉના ડોક્ટર દ્વારા ભૂલ થયાની સ્વીકારી રૂપિયા 1.70 લાખ ચૂકવી ફરી સર્જરી બાદ પણ બાળકીની સ્થિતમાં સુધારો ન આવતા આજે તેનું મોત થયું હતું.
આ મામલે હાલમાં કપુરાઈ પોલીસ મથકમાં હર્ષલ હોસ્પિટલ ના તબીબ સામે અરજી આપવામાં આવી છે. જેમાં ડો વિજયસિંહ રાજપૂતની બેદરકારી સામે ફરિયાદ દાખલ કરવા પરિવારે માંગ કરી છે. આ બનાવમાં બાળકીના મૃતદેહનું પેનલ પી એમ કરવામાં આવ્યું છે. મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બેદરકારી દાખવનાર તબીબ ફરાર હોવાની વિગતો સામે આવી છે.

