વેપાર@ગોંડલ: માર્કેટ યાર્ડમાં નવા ધાણા અને નવી વરિયાળીની આવક થઇ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બજારમાં નવા ધાણાની આવક થઇ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા પ્રથમ નવા ધાણાની 30 કિલોની આવક સાથે ધાણાની સિઝનના શ્રીગણેશ થયા હતા. ત્યારે ધાણાની હરાજી પહેલા ધાણાને ફૂલહાર, અગરબત્તી અને શ્રીફળ વધેરીને હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે ધાણાની હરાજી બાદ ખેડૂત અને ધાણાના વેપારીનું મોં મીઠું કરાવામાં આવ્યું હતું.
સીઝન પહેલા જ જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત મધુભાઇ સામજીભાઈ રાદડીયા આ નવા ધાણા લઈને આવ્યા હતા. જેની ગોલ્ડન એગ્રી નામની પેઢીએ ખરીદી કરી છે. નોંધનીય છે કે નવા ધાણાના હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 35,001 બોલાયા હતા. ધાણાની હરાજીમાં યાર્ડના આસીસ્ટન્ટ સેક્રેટરી હિતેશ સાવલિયા અને યાર્ડના ઇન્સ્પેક્ટર દિલીપ વસાણી હાજર રહ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રભરમાં ધાણાની આવકમાં અગ્રેસર રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં યાર્ડમાં જાન્યુઆરી મહિનાના અંતમાં નવા ધાણાની સિઝન શરૂ થવાના સંકેતો વર્તાય રહ્યા છે. રેગ્યુલર જૂના ધાણા આવક રોજિંદા થઈ રહી છે ત્યારે આજે 5500 ગુણીની આવક થવા પામી હતી. જેમાં રેગ્યુલર હરરાજીમાં ધાણાના ભાવ 20 કિલોના 800/-થી 1571/- સુધીના જોવા મળ્યા હતા.
ઊંઝા નવા ગંજબજાર ખાતે પંકજભાઈ નામનો ખેડૂત છેક મધ્યપ્રદેશથી પોતાની નવી વરિયાળીની 15 કિલોનો માલ લઈ વેચાણ અર્થે આવ્યો હતો. જ્યાં શ્રીરામ ટ્રેડર્સ નામની પેઢીમાં માલ ઉતરાવ્યો હતો. જ્યાં સવારે હરાજી પ્રક્રિયા યોજાઈ હતી. વરિયાળીની નવી આવક આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
જેમાં હરાજી દરમિયાન સહુથી ઊંચો 42,000નો ભાવ પડ્યો હતો. સરેરાશ મણે સુપર વરિયાળીનો ભાવ 5000 આસપાસ જોવા મળે છે. જ્યારે આજે નવી વરિયાળીનો ઊંચો ભાવ રૂ. 42,000 સુધીનો જોવા મળ્યો હતો. જેમાં ખેડૂતને રૂ. 29,000નો ફાયદો થયો હોવાનું કહેવાય છે. જેને લઈ ખેડૂતમાં ખુશી છવાઈ હતી.