રિપોર્ટ@વડોદરા: ડિજિટલ એરેસ્ટ કરી ઠગતા સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી
મેડિકલ ચેકઅપના નામે મહિલાઓને નગ્ન થવા મજબૂર કરી, ફોટા-વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેતરપિંડીનાં બનાવો ખુબજ વધી ગયા છે. હાલ ડિજિટલ એરેસ્ટ કરી અનેક લોકોને ઠગતાં સાયબર માફિયાઓ સક્રિય થયા છે, ત્યારે તાજેતરમાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ડિજિટલ એરેસ્ટમાં અત્યાર સુધી લોકોને લોભ, લાલચ અને ડરાવીને પૈસા પડાવવામાં આવતા હતા. પરંતુ હવે ડિજિટલ એરેસ્ટમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં મહિલાઓને ફસાવી મેડિકલ ચેકઅપના નામે નગ્ન કરી ફોટા-વીડિયો ઉતારી વધુ રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવ્યા છે.
આવા કિસ્સામાં ખાસ કરીને મહિલાઓ કે જેઓ એકલી રહેતી હોય અથવા સિનિયર સિટીઝન હોય તેમને ફસાવવામાં આવી રહી છે. આ મહિલાઓને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયાની માગણી કરવામાં આવે છે. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આ મહિનામાં ત્રણ જેટલી અરજી આવી છે. જેમાં મહિલાઓને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી. જેમાં રેન્ડમલી મહિલાઓને કોલ કરી ખોટી રીતે ડરાવી અને તેમના મેડિકલ વેરિફિકેશનના નામે શરીર પરના નિશાન અને ચેકઅપના નામે ડિજિટલ નગ્ન કરી તેમના ફોટા-વીડિયો લઈ વધુ રૂપિયા પડાવવામાં આવે છે.
આ અંગે એમ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઠગબાજો માત્ર ડર બતાવી રૂપિયા પડાવતા હતા. પરંતુ હવે વધુ પૈસા પડાવવા માટે મહિલાઓને મેડિકલ વેરિફિકેશનના નામે નગ્ન કરી તેઓના ફોટા-વીડિયો રેકોર્ડ કરી વધુ ડરાવી પૈસાની માગણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમને ત્રણ આવી અરજી મળી છે. આ એક નવી મોડસ ઓપરેન્ડી છે. ખાસ કરીને આમાં સાવચેત થવાની જરૂર છે. ડરવાની જરૂર નથી.
શું ન કરવું?
કોઇપણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરવાનું ટાળો અને પોતાની માહિતી શેર ન કરો. તમારી વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારે શેર ન કરો. કોઇ સિમકાર્ડ, ડ્રગ્સ કે પૈસાના નામે તમને ડરાવે તો ડર્યા વગર તેના નંબરને બ્લોક કરી દો અને સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરો. અજાણ્યા નંબર પર ક્યારેય પણ પૈસા ટ્રાન્સફર ન કરો, જ્યાં સુધી વેરિફાઈ ન કરી લો ત્યાં સુધી સાવધાન રહો.
ડર બતાવે તો પરિવારને જાણ કરો, ગભરાઈને રૂપિયા ન આપી દો. કોલ કરે કોઈ તમને ડરાવે કે ધમકાવે તો તાત્કાલિક નજીકના પોલીસ મથક કે સાયબર ક્રાઈમ 1930 પર કોલ કરો. મોબાઈલમાં આવતા મેસેજ નીચેની લિંકને ક્યારે ક્લિક ન કરો. ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે, સાયબર માફિયાઓ લોભ, લાલચ અને ડર બતાવી લૂંટ છે.ક્યારે લોભ, લાલચમાં ન આવવું, ક્યારે ડરવું નહીં, ક્યારે પોલીસ તમને ઓનલાઇન વેરિફિકેશન કે કેસ ચલાવતી નથી.
તમારા નામે થાઈલેન્ડ જતા પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓ મળી છે એવું કહી CBI અને નાર્કોટિક્સના અધિકારી તરીકે ઓળખાણ આપીને સાયબર ઠગોએ નારણપુરાની યુવતીને ડિજિટલ અરેસ્ટ કરીને 4.92 લાખ પડાવી લીધા હતા. આ સાથે નાર્કોટિક્સના અધિકારી તરીકે ઓળખાણ આપી શરીર પરનાં માર્ક જોવાના બહાને વીડિયો કોલ ચાલુ રાખી યુવતીને કપડાં પણ કઢાવ્યાં હતાં.