રિપોર્ટ@રાજકોટ: દુર્ઘટનાઓ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટ 2024થી કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રા યોજવા જઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાન્તિ દિવસ એટલે કે આગામી 9 ઓગસ્ટ 2024થી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. આ પદયાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવશે અને ગાંધીનગર ખાતે સમાપ્ત કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં પણ પીડિત પરિવારોને ન્યાય માટે પ્રશ્ન ઉઠાવવામાં આવશે. મોરબીથી શરૂ થનાર 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ અને પ્રદેશ નેતાઓ પણ જોડાશે. શરૂઆતથી અંત સુધી જોડાનારને ન્યાય યાત્રી અને પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લા યાત્રી હશે તથા અતિથિ યાત્રી હશે.
આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજુઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે. જેમાં લોકો તેના પ્રશ્નો નાંખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.
આ યાત્રા અંગે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી 9 ઓગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે ક્રાંતિની શરૂઆત મોરબીથી કરીશું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરીવારોને સાથે રાખી આ ન્યાય યાત્રા કરવામાં આવશે. મોરબીના ઝૂલતા પૂલથી આ યાત્રાની શરૂઆત થશે.રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. ત્યાંથી નીકળીને ટંકારા અને ટંકારાથી ગૌરીદડ, રતનપર રોકાશે. 13 ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે. સુરેન્દ્રનગરથી આ યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે. યાત્રામાં રોજ સવારે ધ્વજ વંદન થશે. રાજકોટના જ પીડિત પરિવારો નહીં પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલા કાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહીત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. 100 જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ 20 થી 25 કિલોમીટર ચાલીને પદયાત્રા કરશે અને છેલ્લે સુધી સાથે રહેશે. જ્યારે કેટલાક લોકો પોતાના જિલ્લા લેવલે જિલ્લામાં સાથે રહેશે અને કેટલાક પ્રદેશના નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ પણ અતીથી બની પદયાત્રામાં જોડાશે.
લાલજી દેસાઈએ આગળ કહ્યું કે, 9 તારીખે સવારે મોરબીથી પદયાત્રા શરૂ કરી આ યાત્રા ટંકારા અને ટંકારાથી ગૌરીદડ પહોંચશે. ત્યારબાદ 11 તારીખે સાંજના સમયે યાત્રા રાજકોટ પહોંચશે અને એ દિવસે સાંજે રાજકોટમાં સંવેદના સભા TRP ગેમઝોન સ્થળ પર કરવામાં આવશે. 12 તારીખે રાજકોટના મુખ્યમાર્ગો પર આ યાત્રા ફરી સુરેન્દ્રનગર તરફ આગળ વધશે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે આ યાત્રા સુરેન્દ્રનગર પહોંચશે ત્યારે ત્યાં ધ્વજવંદનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ આ યાત્રા આગળ અમદાવાદ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર લગભગ 22 અથવા 23 તારીખે પહોંચશે. આ યાત્રામાં સાથે એક ઘડો રાખવામાં આવશે જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજુઆત રજૂ કરી શકશે અને આ ભાજપના પાપનો ઘડો નામ આપવામાં આવ્યું છે.
મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાય પદયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ ન્યાય યાત્રામાં સાથે જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓ પણ સાથે એક દિવસ કોઈ જગ્યાએ જોડાઈ તેવી શક્યતા છે. પદયાત્રાનું સ્વાગત દરેક જગ્યાએ થશે પણ કોઈ જગ્યાએ ઢોલનગારાથી નહીં પરંતુ સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે.
આ અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારોની માંગ સંતોષવામાં નથી આવી.ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારે અપેક્ષા મુજબ જ TRP ગેમઝોન ઘટનાની તપાસમાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. અધિકારઓને ક્લિનચીટ આપી ભીનું સંકેલવામાં આવ્યું છે અમે અગાઉ પણ કહેતા હતા કે કોઈ નિષ્પક્ષ તપાસ થઇ શકશે નહીં. જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારી તપાસ સમિતિમાં સામેલ ન થાય ત્યાં સુધી કોઈ તપાસ થઇ શકાશે નહીં. આ સરકારે ભાજપના નેતાઓ અને અધિકારીઓ છાવરવાનું કામ કર્યું છે અને એટલા માટે જ અમે પીડિતોને ન્યાય અપાવવા માટે જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી લડીશું અને પીડિતોની સાથે ઉભા રહીશું. જેટલા IAS-IPS અધિકારીઓ છે તે તમામ એક બીજાના બચાવમાં છે. ભાજપના પદાધિકારીઓના નામ સાગઠીયાએ આપેલા છે, પરંતુ એક પણની ધરપકડ કરવામાં આવી નથી મતલબ સ્પષ્ટ છે કે મોરબીમાં ભલે લોકોના મૃત્યુ થયા રાજકોટ ગેમ ઝોનમાં ભલે નિર્દોષ લોકો હોમાયા પણ સરકારના પેટનું પાણી નહીં હલે આ ભાજપનું વલણ છે.
30 ઓક્ટોબર, 2022ના રોજ મચ્છુ નદી ઉપર આવેલો મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતાં બાળકો, મહિલાઓ સહિત કુલ 135 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં 10 આરોપી સામે IPCની કલમ 304, 308, 336, 337, 338, 114 મુજબ ગુનો નોંધાયો હતો. એમાં ઓરેવાં કંપનીના CMD જયસુખ પટેલ, ઓરેવાના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બ્રિજ રિપેર કરનારા દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ પૂર્ણ થયો છે. બાદના વચગાળાના હિયરિંગ પર મોરબી કોર્ટમાં છે. તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાંથી 9 આરોપીને હાઈકોર્ટ અને જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.