હવામાન@ગુજરાત: માર્ચ મહિનામાં જુલાઈ જેવું વાતાવરણ, ઉત્તર સહિત આ જિલ્લાઓમાં પડશે માવઠું

 
Weather forecast

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉનાળાનું જાણે મેઘરાજા સ્વાગત કરી રહ્યા હોય તેવી સ્થિતિ બની છે. માર્ચ મહિનામાં જુલાઈ જેવું વાતાવરણ બની ગયું છે. રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે પણ રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ચાલુ અઠવાડિયાના બાકી દિવસો દરમિયાન માવઠાની વકી છે. વરસાદી માહોલ બનવાથી તાપમાનમાં પણ ઘટાડો નોંધાવાની આગાહી કરવામાં આવી છે.

વાતાવરણમાં પલટો આવતા કરા પડવાની પણ આગાહી કરવામાં આવી હતી. આજે પણ અમદાવાદ સહિતના ભાગો માટે હવામાનમાં મોટા પલટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

17મી માર્ચના સવારના 8.30થી 18મી માર્ચના સવારના 8.30 વાગ્યા સુધીની 24 કલાકની આગાહી કરવામાં આવી છે જેમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે.

અઠવાડિયાના અંતિમ ભાગમાં એટલે કે શનિવાર અને રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં માવઠું વિદાય લીધા બાદ આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.