ગુનો@સુરત: નકલી નોટ લાવનાર ઝડપાયો, લુધીયાણાથી પણ એક વ્યક્તિની ધરપકડ કરાઈ

 નકલી નોટ છાપવા માટેના સાધનો સાથે પકડી  પડ્યા
 
ગુનો@સુરત: નકલી નોટ લાવનાર ઝડપાયો, લુધીયાણાથી પણ એક વ્યક્તિની ધરપકડ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન માહિતીના આધારે દુધની દુકાને ભારતીય બનાવટી ચલણી નોટ વટાવવા આવેલા પાંડેસરા પીયુષ પોઈન્ટ પાસે રહેતા 21 વર્ષીય સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 500ના દરની 7 બનાવટી નોટ કબજે કરી હતી.

પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ હતુ. આ બનાવટી ભારતીય ચલણી નોટ તે યુ ટ્યુબ પર રીલ્સ જોઇને પંજાબના લુધિયાણા ખાતે રહેતા ઇસમ પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું.

લુધીયાણાના આરોપીને સુરત લવાશે

મામલો ગંભીર હોવાથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી. પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે ગઇ હતી અને ત્યાંથી રાહુલ મોહિન્દર મલિકને પણ 500 રુપિયાના દરની 45 બનાવટી ભારતીય ચલણી નોટ તેમજ નકલી નોટ છાપવા માટેના સાધનો સાથે પકડી પાડ્યો હતો.

આ સમગ્ર મામલે સુરતથી ઝડપાયેલા સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. જયારે લુધીયાણાથી ઝડપાયેલા આરોપીને પકડીને સુરત પોલીસ સુરત આવવા રવાના થઇ છે.

પોલીસે આરોપી વિશે આપી આ માહિતી

DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર પાસેથી આરોપી સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે. દૂધના વેપારી પાસે આરોપી 500 ની ડુપ્લીકેટ નોટ વટાવવા આવ્યો હતો.

આરોપી પાસેથી 500ના દરની 7 ભારતીય ચલણી બનાવટી નોટ કબજે કરવામાં આવી છે, તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે યુ ટ્યુબ પર રીલ્સ જોઈ રહ્યો હતો. આ દરમ્યાન ડુપ્લીકેટ નોટ અંગે રીલ્સ જોવા મળી હતી અને તેમાં કોમેન્ટ કરીને સંપર્ક કર્યો હતો.

બાદમાં 1500 રૂપિયામાં 500ના દરની 10 નોટ એટલે કે 5 હજાર તે લુધીયાણા ખાતેથી લઇ આવ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરીને લુધિયાણા ખાતેથી અન્ય એક આરોપી રાહુલ રાહુલ મોહિન્દર મલિક કે જે ઇસ્લામગંજનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પાસેથી પણ 500ના દરની 45 બનાવટી ભારતીય ચલણી નોટ કબજે કરવામાં આવી છે. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.