વિરોધ@રાજકોટ: કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ 'રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નત્યાગ'

અન્નનો ત્યાગ કરી ઉગ્ર લડત ચાલુ રહેશે
 
વિરોધ@રાજકોટ: કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ 'રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નત્યાગ'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચૂંટણી નજીકમાં છે અને કેટલીક જગ્યાએ વિવાદ ઉભો થયો છે. ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદની માંગણી સાથે અન્નત્યાગ કરી આંદોલનનાં મંડાણ કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજનક છે.

અમારી એક જ માગ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.

કરણી સેનાના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજની ચારથી પાંચ મહિલાઓ સાથે આજે સવારે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા જે બાદ તેમણે માતાજીનાં દર્શન કર્યાં હતાં. આ પછી તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ સમાધાનની ખાનગી બેઠકમાં માફી માગી જે અમને ગ્રાહ્ય નથી. જેથી હવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી ઉગ્ર લડત ચાલુ રહેશે.

જે બાદ ક્ષત્રિય સમાજની આ મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે બેસી ગયાં હતાં અને રામધૂન બોલાવી હતી. બાદમાં રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્ટેટના રાજવીઓએ રૂપાલાને ફોન કર્યા હતા અને નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે પછી રૂપાલાએ વીડિયો જાહેર કરી માફી માગી હતી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા સંમેલનમાં પણ રૂપાલાએ માફી માગી હતી. જોકે તે બાદ પણ વિરોધ યથાવત્ છે.

અમદાવાદ ખાતે ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ નહોતું અપાયું, પરંતુ મીડિયાના અહેવાલો બાદ પદ્મિનીબાને આમંત્રણ અપાયું છે. પદ્મિનીબા વાળા બેઠકમાં ભાગ લેવા અમદાવાદ જવા રવાના થયાં છે. જે બાદ પદ્મિનીબાએ કહ્યું કે, અમારી માગ તો રૂપાલાની ટિકિટ રદની જ રહેશે. અન્નનો ત્યાગ પણ યથાવત્ રહેશે. બેઠકમાં કોઈપણ નિર્ણય લેવાય પણ અમારી માગ ટિકિટ રદ કરવાની જ રહેશે.