વરસાદ@ગુજરાત: ઘુંટણસમા પાણી ભરાતા બોટમાં બેસાડી લોકોને બહાર કઢાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વહેલી સવારથી જ અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયો હતો. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાહનચાલકોને પલળવાથી બચવા ઊભા રહેવું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ભારે ઉકળાટ થઈ રહ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બપોરે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડી વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદમાં જ અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતાં. વસ્ત્રાપુર IIM બ્રિજ પાસે આવેલી બે સોસાયટીઓમાં જવાના રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ સોસાયટી પાસે જ એક કોફી બાર આવેલું છે. જેમાં આવેલા ગ્રાહકોને બોટ દ્વારા બહાર રોડ ઉપર લાવવામાં આવ્યા હતા.
બોટમાં લોકોને બેસાડી બહાર મુખ્ય રોડ સુધી લાવવામાં આવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં સોસાયટીઓની બહાર રોડ પર પાણી ભરાય જતા બોટનો ઉપયોગ કરવો પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ જગ્યા પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે અને કોફી બાર પણ આવેલું છે.
જેના કારણે ભારે વરસાદમાં પાણી ભરાય જાય તો કોફી બારમાં આવતા ગ્રાહકો અને લોકોને બોટમાં બેસાડી અને બહાર મુખ્ય રોડ સુધી લઈ જવામાં આવે છે. આજે બપોરે પણ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ભરાય જવાના કારણે લોકોને બોટ મારફતે બહાર લઈ જવામાં આવ્યા હતા.
વરસાદી પાણી ભરાવવાના કારણે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કર્યા હતા. જેને પાણી કઢાયા અને સફાઈ કર્યા બાદ વાહન ચાલકો માટે ખોલી દેવામાં આવ્યા છે.