ગુનો@અમદાવાદ: દુકાનમાંથી 2.34 લાખના ફોન અને સ્માર્ટ વોચની ચોરી થતા ચકચાર

 ચોરીની ફરિયાદ નોંધી એલિસબ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે.
 
ગુનો@જામનગર: યુવકને આપઘાત માટે મજબુર કરનાર દંપતી સહિત 3 શખ્સની ધરપકડ, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શહેરમાં ફરી એક વાર પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોય તેવી ઘટના બની છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે જ રોડ પર આવેલા જ એક કોમ્પલેક્સમાં એક ચોર 2.34 લાખના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં મોઢે રૂમાલ બાંધીને ચોરી કરનારા શખ્સની એલિસબ્રિજ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

નવરંગપુરામાં આવેલા સાગંથ ફ્લેટ્સમાં રહેતા આર્યનભાઇ મશરૂ જનપથ કોમ્પલેક્ષમાં સેલ ફોર ફોન નામની દુકાન ધરાવે છે. તેઓ જૂના ફોનની લે વેચનું કામ કરે છે. શુક્રવારે રાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બાદમાં શનિવારે સવારે તેઓના પાર્ટનર એવા કાકાનો ફોન આવ્યો હતો કે એક ચાની કિટલી વાળાએ દુકાનનું તાળું તૂટ્યું હોવાની જાણ કરી છે. જેથી તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. ત્યાં બીજીતરફ એલિસબ્રિજ પોલીસને પણ જાણ કરી હતી. દુકાને જઇને જોયું તો અનેક ફોનમાંથી ચોર માત્ર છ ફોન અને એક સ્માર્ટ વોચ જ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બાદમાં તેઓએ કોમ્પલેક્ષ અને દુકાનના સીસીટીવી તપાસતા મોઢે રૂમાલ બાંધીને આવેલો શખ્સ ચોરી કરી ફરાર થતો નજરે પડ્યો હતો. ત્યારે આ મામલે 2.34 લાખની ચોરીની ફરિયાદ નોંધી એલિસબ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે.

જો કે નવાઇની વાત એ છે કે જનપથ કોમ્પલેક્ષ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વચ્ચે સામાન્ય અંતર છે. અગાઉ પણ આ જ કોમ્પલેક્ષમાં ચોરીના બનાવો બન્યા હતા. ત્યારે રોડ પરના જ કોમ્પલેક્ષમાં આ પ્રકારની ચોરીનો બનાવ બનતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે.