બનાવ@અમદાવાદ: 22 વર્ષીય યુવકની હત્યાના મામલામાં પોલીસે ઇસમની ધરપકડ કરી

12થી વધુ ઘા મારીને ગાડીમાં જ તેની હત્યા કરી હતી.
 
 બનાવ@અમદાવાદ: 22 વર્ષીય યુવકની હત્યાના મામલામાં પોલીસે ઇસમની  ધરપકડ  કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ત્રણેક વાગ્યે હત્યાનો બનાવ બન્યો હતો. 22 વર્ષીય સ્વપ્નિલ અને આરોપી વેદાંત રાજા બપોરે એકબીજાને મળ્યા હતા. બાદમાં સાંજે તેમના મિત્રો પણ તેમની સાથે બહાર ગયા હતા. જો કે મોડી રાત્રે બંનેએ અન્ય મિત્રોને ઘરે ઉતારી દીધા હતા અને પછી સ્વપ્નિલ તથા વેદાંત મોડી રાત સુધી સાથે બેઠા હતા.

ત્યાં ત્રણેક વાગ્યે બંને વચ્ચે એક યુવતી સાથેના સંબંધને લઇને ઝઘડો થયો હતો. જો કે તે વાત પૂર્ણ થયા બાદ મૃતકે આરોપી પાસે પૈસાની પણ માંગણી કરી દબાણ કર્યું હતું. આ ઝઘડો વધતા મૃતકે ગુપ્તી કાઢતા જ આરોપીએ તે ગુપ્તી લઇને સ્વપ્નિલને બારેક ઘા મારી ઢાળી દીધો હતો. હત્યા બાદ આરોપી તેની જ ગાડીમાં લાશને સોલા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં પોલીસને જઇને તેણે મિત્રની હત્યા કરી છે અને લાશ લઇને આવ્યો છું તેવું કહેતા જ પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનની બહાર દોડી આવ્યા હતા અને હત્યારા વેદાંત રાજાને પોલીસ સ્ટેશનમાં બેસાડી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચાંદલોડિયામાં આવેલા શ્રીજી રેસિડેન્સીમાં 22 વર્ષીય સ્વપ્નિલ પ્રજાપતિ રહેતો હતો અને ખાત્રજ ખાતે એક મીલમાં થોડા સમય પહેલા નોકરી કરતો હતો. જો કે છેલ્લા બેએક માસથી તે ઘરે જ રહેતો હતો. શનિવારે બપોરે સ્વપ્નિલ તેના ઘરેથી નીકળ્યો હતો. બાદમાં તે સાંજે તેના ઘરે ગયો હતો. ઘરે થોડા સમય રહ્યા બાદ તે પરત ઘરે ફર્યો ન હતો. ત્યાં રવિવારે સવારે સોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્વપ્નિલના ઘરે ગયો હતો. સ્વપ્નિલના ઘરે પોલીસ પહોંચી ત્યારે પરિવારજનોના પેટમાં ફાળ પડી હતી. ત્યાં જ પોલીસે સ્વપ્નિલની હત્યા થઇ હોવાનું જણાવતા પરિવારજનો ગભરાયા હતા. પોલીસે સ્વપ્નિલના પરિવારને જણાવ્યુ કે વહેલી સવારે પાંચેક વાગે આરોપી વેદાંત પોતાની ગાડી લઈ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી કે તેણે તેના મિત્ર સ્વપ્નિલની હત્યા કરી છે અને મૃતદેહ પોતાની ગાડીમાં જ છે. જેથી પોલીસે તાત્કાલિક હત્યાના આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલુ ગુપ્તી જેવું હથિયાર અને ગાડી કબજે લઇને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્વપ્નિલની હત્યાની ગુનામાં વેદાંતની ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી છે કે, પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીના પ્રેમ સંબંધ મામલે બંને વચ્ચે તકરાર ચાલતી હતી. મૃતક સ્વપનીલને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પણ યુવતીને આરોપી વેદાંત પસંદ હતો. જે બાબતે બંને વચ્ચે તકરાર ચાલતી હતી. મૃતક સ્વપ્નિલ અવારનવાર આરોપી પાસેથી 50 હજાર કે લાખ રૂપિયાની માંગણી કરી દબાણ કરતો હતો. શનિવારની રાત્રે મિત્રોને ઉતાર્યા બાદ પણ બંને વચ્ચે યુવતી અને નાણાં માટે જ બબાલ થઇ હતી અને સ્વપ્નિલે વેદાંતને અપશબ્દો કહ્યા હતા. જે બાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી અને સ્વપ્નિલે ગુપ્તી જેવું હથિયાર બતાવ્યુ હતું. વેદાંતની ગાડીમાં સ્વપ્નિલ સુઈ જતા સ્વપ્નિલ પાસે રહેલી ગુપ્તી વડે જ વેદાંતે 12થી વધુ ઘા મારીને ગાડીમાં જ તેની હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક સ્વપ્નિલનો ગુનાઇત ઇતિહાસ છે. તેના વિરુદ્ધ મારામારી અને અપહરણ જેવા ગુના નોંધાતા હિસ્ટ્રીશીટર હોવાનું પોલીસમાની રહી છે. પૂર્વ વિસ્તારમાં તેની સામે એક ગુનો નોંધાયો હતો તેમાં પોલીસ તેને શોધતી હોવાથી તે નાસતો ફરતો હતો. સાથે જ આરોપીએ પોલીસ સમક્ષ એવી પણ કેફિયત વર્ણવી હતી કે સ્વપ્નિલ અલગ અલગ પ્રકારના નશાનો આદી હતો. જો તે સ્વપ્નિલની હત્યા ન કરતો તો સ્વપ્નિલે તેને મોતને ઘાટ ઉતારી દીધો હોત.

આરોપી વેદાંત સોલાની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ન્યૂઝીલેન્ડ ખાતે રહે છે અને તેની માતાએ ડિવોર્સ આપીને બીજે લગ્ન કર્યા છે. મોડી રાત્રે હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ગાડીમાં લાશ લઇને અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો અને બાદમાં વિદેશમાં રહેતા તેના પિતાને ફોન કર્યો હતો. પિતાએ તેને પોલીસ પાસે જવાની સલાહ આપતા વેદાંત ગાડી અને મૃતદેહ લઈને પોલીસ મથકે પહોંચ્યો હતો.

આરોપી વેદાંત સ્વપ્નિલના ત્રાસથી કંટાળી ગયો હતો. તે અવાર નવાર યુવતીના સંબંધ બાબતે અને પૈસાની માંગણી કરીને આરોપીને હેરાન પરેશાન કરતો હતો. જેથી થોડા સમય પહેલા આરોપી વેદાંત વાડજ પોલીસમથકે મૃતક સ્વપ્નિલ સામે અરજી કે ફરિયાદ કરવા પહોંચ્યો હતો. જો કે વાડજ પોલીસની હદ ન લાગતી હોવાથી પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.

મૃતક કોઇ કામધંધો કરતો ન હતો અને આરોપી સોલાની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે યુવતીને લઇને બબાલ થઇ હતી. સાથે જ મૃતકે નાણાંની માગણી કરતા બંને વચ્ચે મોડી રાત્રે ઝઘડો પણ થયો હતો. હાલ આરોપી પોલીસ સમક્ષ સામેથી આવતા તેની કાયદેસરની ધરપકડ કરી છે. ત્યારે બંનેના ગુનાહિત ઇતિહાસ અને સીસીટીવી તપાસી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.