રીપોર્ટ@રાજકોટ: પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઇજનેર સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ

3 વર્ષથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા
 
 રીપોર્ટ@રાજકોટ: પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઇજનેર  સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઇજનેર અંકિત અગ્રાવત સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પીજીવીસીએલમાં ફરજ બજાવતા અંકિતને એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો. બંન્ને લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા.

યુવતીએ અંકિતને લગ્ન કરવાનું કહેતા અંકિતે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

તેથી યુવતીએ અંકિતના ઘર સામે જઇને જ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ 2017માં યુવતી પહેલી વખત અંકિતને મળી હતી અને ત્યારબાદ પ્રેમસબંધ બંધાયો હતો. જે બાદ અંકિત મોરબી રોડ પર આવેલી ટીજીએમ હોટેલમાં જમવા માટે લઇ ગયો અને ત્યાં રૂમ ભાડે રાખીને લગ્ન કરવાની લાલચ આપીને શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ અમારી વચ્ચે સબંધ બંધાયો હતો અને બાદમાં માઉન્ટ આબુ, જુનાગઢ અને મુંબઇ સહિત સ્થળોએ લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું.

લીવ ઇન રિલેશનશીપ દરમિયાન અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. 10 દિવસ પહેલા અંકિતે તેને છોડી મૂકી હતી. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે પોતે અનુસૂચિત જાતિની હોવાને કારણે અંકિતે લગ્ન કરવાની ના પાડી અને લગ્નની લાલચે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

યુવતીની ફરિયાદના આધારે પોલીસે અંકિત હરકિશન અગ્રાવત વિરુદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. અંકિત પીજીવીસીએલમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવે છે. આ અંગે એસીપી ભાર્ગવ પંડ્યાની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે