વિરોધ@વડોદરા: NSUIના કાર્યકર્તા ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં પોલીસે આઠથી વધુ કાર્યકર્તાની અટકાયત કરી
વડોદરા ગેંગરેપ મામલે NSUI રોડ પર ઊતર્યું, પૂતળું લેવા કાર્યકર્તા પાછળ પોલીસને 100 મીટર દોડવું પડ્યું, ટીંગાટોળી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરોના ડેરી ડેન સર્કલ ખાતે NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUIના કાર્યકર્તા ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે આઠથી વધુ કાર્યકર્તાની અટકાયત કરી હતી. થોડી વાર તો રોડ પર જાણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેસ લાગી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. જે બાદ ટીંગાટોળી સાથે તમામની પોલીસે અટકાયત કરી લીધી હતી.
આજે શહેરના ડેરી ડેન સર્કલ પાસે NSUIના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં હાય રે ભાજપ હાય હાય અને આરોપીઓને ફાંસી આપો ફાંસી આપોના નારા લાગ્યા હતા. દરમિયાનમાં એક NSUIના કાર્યકર્તા સામેની તરફથી પૂતળું લઇને દોડ્યો હતો, જેને પોલીસ જોઈ જતાં પોલીસ અને NSUIના કાર્યકર્તા વચ્ચે 100 મીટર જેટલી રેસ લાગી હતી. ત્યારબાદ કાર્યકર્તાને ઝડપી પૂતળાનું દહન થાય તે પહેલાં જ કબજે કર્યું હતું. બાદમાં પોલીસ અને NSUI વચ્ચે ભારે ઘર્ષણ બાદ પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને પોલીસવાનમાં બેસાડ્યા હતા. જૉ કે, આ દરમિયાન પોલીસના જવાનોને પસીનો છૂટી ગયો હતો.
આ અંગે NSUIના અમરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેવી રીતે તમે જોશો કે ગુજરાતમાં બહેન-દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. થોડાક દિવસ અગાઉ દાહોદમાં કિસ્સો બન્યો હતો,. ત્યારબાદ વડોદરા અને હવે સુરતની વાત કરીએ તો ભાજપની આ સરકારમાં અત્યાચારો વધી રહ્યા છે. ત્યારે સરકાર વાતો કરતી હોય છે કે, બેટી પઢાઓ બેટી બચાવો. હાલમાં દીકરીઓ સલામત નથી.
વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના ભાયલીમાં શરમજનક ઘટના બની હતી, જેના વિરોધમાં આજે NSUI દ્વારા રસ્તા પર ઊતરીને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને જે આરોપીઓ પકડાયા છે, તેઓને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય તેના વિરોધમાં આજે NSUI દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
આ અંગે NSUIના રાષ્ટ્રીય સંયોજક દુષ્યંત રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર છે. આપણે જોતા આવ્યા છીએ કે, આ સરકારમાં વારંવાર દુષ્કર્મની ધટનાઓ સામે આવી રહી છે. અગાઉ દાહોદ, વડોદરા ને હવે માંગરોળ સુરતમાં આ પ્રકારની ઘાટના સામે આવી છે. આ ઘટનાના વિરોધમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમારી માંગ છે કે, આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઇએ.