રિપોર્ટ@સુરત: આંગણે રમતી બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પોલીસે દબોચ્યો

પોલીસે 56 વર્ષીય બિલ્ડરને ઝડપી પાડ્યો
 
રિપોર્ટ@સુરત: આંગણે રમતી બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પોલીસે દબોચ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલના સમયમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી. હવસખોરો નાની બાળકીઓને પણ મુકતા નથી.  સુરતના કતારગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કિસ કરીને અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.


મળતી માહિતી પ્રમાણે, કતારગામના રતમાલા ચાર રસ્તા વિસ્તારમાં રહેતો અને દિવસ દરમિયાન રત્નકલાકાર અને રાતે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો. તે વ્યક્તિ મમ્મી-પપ્પાનો પરિચીત હશે એવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું.


બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ ઉપર કિસ કરી હતી. આથી બાળકી તાત્કાલિક જ ઉભી થઇ ગઇ હતી. અને તેના ઘર બાજુ દોડી જતાં તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યા વ્યક્તિની કરતૂત અંગે માતાને જાણ કરી હતી.


પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઇ કાળુભાઇ પટેલને ઝડપી લીધો હતો. થોડો દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઇએ બાળકી એકલી નજરે ચઢતાં તેની પાસે બેસી અડપલાં કરી છેડતી કરી હતી.