ગુનો@ગાંધીનગર: કારમાંથી 2 લાખના દારૂ બિયરનાં જથ્થા સાથે આરોપીને પોલીસે ઝડપ્યો

બુટલેગર સહિત 7 સામે ગુનો નોંધાયો

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં દારૂના કેસ ખુબજ વધ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દારૂનો કેસ સામે આવતો હોય છે.  દહેગામ ધનસુરા રોડ પરથી સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે ક્રેટા કારમાંથી 1 લાખ 84 હજાર 400 ની કિંમતનાં વિદેશી દારૂ બિયરનાં જથ્થા સહિત કુલ રૂ. 9.89 લાખથી વધુના મુદ્દામાલ સાથે ખેપીયાને ઝડપી પાડી ગુજરાતમાં દારૃ ઘુસાડવાની લાઈન ચલાવતા ઉદેપુરનાં નામચીન બુટલેગર રોનક કલાલનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 7 ઈસમો વિરુદ્ધ રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

હોળી ધુળેટીનાં તહેવાર અન્વયે ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રખીયાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળેલી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક સફેદ કલરની ક્રેટા ગાડી તલોદ તરફથી રખીયાલ ગામ તરફ જનાર છે. જે હકીકતના આધારે દહેગામ-ધનસુરા રોડ ભાદરોડા ચોકડીથી બાતમી મુજબની કારને બિયરના જથ્થા સાથે વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવી હતી. જેનાં ચાલકનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ રાજેન્દ્રસિંહ કેસરસિંહ રાઠોડ (ઉ.વ. 24 રહેવાસી: ગામ: સેલાડા, ચન્દ્રનગર,તા.સલાડા, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં SMC ટીમે દારૂ ભરેલી કારને રખીયાલ પોલીસ સ્ટેશને લઈ જઈ વીગતવાર તપાસ કરતા 1 લાખ 84 હજાર 400 ની કિંમતની 1520 નંગ દારૂ - બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વધુ પૂછતાંછ કરતાં દારૂની ખેપ મારનાર રાજેન્દ્રસિંહ રાઠોડે કબૂલાત કરેલી કે, પોતે સાતક મહિના પહેલાં આઇસંસ્ક્રીમની ગાડી ચલાવતો હતો. અને દેવુ થઈ જતાં તેના મિત્ર સુરેન્દ્રસિંહે બે માસ પહેલાં રવિન્દ્રસિંહ ઢાકા (રહે. માવલી જિ. ઉદેપુર) સાથે ઓળખાણ કરાવી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ ઘુસાડવાની લાઈન નામચીન બુટલેગર રોનક રમણભાઈ કલાલ (રહે.ખેરવાડા ઉદેપુર) ચલાવે છે. રવિન્દ્રસિંહ દારૂ ભરેલ ગાડી રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવા સુરેન્દ્રસિંહને ત્રણ હજાર આપતો હતો. આ નામચીન બુટલેગર રોનક કલાલ ખેરવાડા પાસેના ઠેકા પરથી ગાડીમાં દારૂ ભરી આપતો હતો. જ્યારે તેના માણસો રવિન્દ્રસિંહ અને નિલેષ ઉર્ફે મામા મોહનલાલ કલાલ (રહે,ડુંગરપુર) દારૂ ભરેલ ગાડીનું પાયલોટીંગ ઈકો કારથી કરતા હતા. તેઓ સુરેન્દ્રસિંહને શામળાજી પાસે બોલાવી દારૂ ભરેલી ગાડી આપતા અને તેઓના કહ્યા મુજબ જેતે સ્થળે દારૂ પહોંચાડી દેવાતો હતો. ક્યારેક ક્યારેક સોહનસિંગ રાજપુત (રહે. ઉદેપુર) પણ પાયલોટીંગ કરતો હતો.

છેલ્લા એક મહિના દરમ્યાન સુરેંદ્રસિંહ સાત વખત આ રીતે દારૂની ખેપ મારી ચૂક્યો છે. 20મી માર્ચે પણ રવીન્દ્રસિંહે શામળાજીથી દારૂ ભરેલી ક્રેટા ગાડી સુરેંદ્રસિંહને આપી હતી. જ્યાં તેણે ગાડીની નંબર પ્લેટ બદલી નાખી હતી. બાદમાં શામળાજીથી મહુધા દારૂ પહોંચતો કરવા માટે સુરેંદ્રસિંહ ગાડી લઈને નિકળ્યો હતો. જેનું પાયલોટીંગ સોહનસિંગ કરતો હતો. અને આગળનું લોકેશન વોટ્સઅપ થકી આપતો હતો. જો કે દહેગામ ધનસુરા રોડ પરથી પસાર થતા સ્ટેટ મોનીટરીંગની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી હતી.