રિપોર્ટ@સુરત: વેપારી સાથે 1.40 લાખની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
 
 રિપોર્ટ@સુરત: વેપારી સાથે 1.40 લાખની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ચોરી, લુંટફાટ, બળત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. હાલમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો સાથે મોટા પ્રમાણમાં ઠગાઈ થઇ રહી છે. રીંગ રોડ પર જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા બાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સામે અને તેના મળતીયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને જીજા-સાળી પાસેથી રૂપિયા 1.40 લાખ પડાવી લીધા હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા. જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતના રીંગ રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખની છેતરપિંડી કરનાર ડુપ્લિકેટ નાયબ કલેક્ટર હેતલ કુમારી સંજયભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી હતી. જેની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતા એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ઠગ્યા હોવાનું સામે આવી રહ્યું છે.


સલાબતપુરા રૂસ્તમપુરામાં પોલીસ ચોકી પાસે અકબર શહીદનો ટેકરો પાસે રહેતા અહેમદ ખાન પઠાણે પણ હેતલ કુમારી અને તેની સાથેના ઈસમ સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ડેપ્‍યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનાર હેતલકુમારીએ તેઓને સુરત મહાનગર પાલીકાના અલગ અલગ વિભાગમાં નોકરી અપાવીશ તેમ કહી તેમની પાસેથી તથા તેઓની સાળી જાકેરાબીબીને સુપરવાઇઝર અને પટાવાળાની નોકરી અપાવવાના બહાને બંને પાસેથી 70-70 હજાર મળી કુલ રૂપિયા 1.40 લાખ પડાવ્યા હતા.


તેઓને વિશ્વાસ અપાવવા ખોટા કુટલેખન વાળુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના સંમતીપત્ર ઉપર સહી લઇ ત્રણેક મહીના બાદ બનાવટી, ખોટા કુટલેખન વાળા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વાળુ ટ્રેનીંગ લેટર, ગાંધીનગર વાળુ કાગળ, કે જેની ઉપર ખોટા બનાવટી તથા ખોટા કુટલેખન વાળા સુરત મહાનગર પાલીકા, મુગલીસરાના હોદ્દા તથા તેની ઉપર સુરત કલેક્ટર અને જિલ્‍લા મેજીસ્‍ટ્રેટના ખોટા બનાવટી રાઉન્‍ડ સીક્કાવાળા કાગળ ઉપર અમારી સહી કરાવી હતી. જેથી તેઓએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.