બનાવ@મહેસાણા: હૃદયરોગના હુમલાને કારણે પોલીસકર્મીનું મોત નીપજ્યું

હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા 
 
બનાવ@મહેસાણા: હૃદયરોગના હુમલાને કારણે પોલીસકર્મીનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકની ઘટનાઓ સામે આવતી હોય છે. મહેસાણા શહેરમાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાને પરિણામે લાડોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી ચતુરભાઈ પરમાર અને આરટીઓ એજન્ટ અજીતસિંહ ચૌહાણ બંનેનું ખૂબ જ ટૂંકા સમયમાં મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બંનેને છાતીમાં દુ:ખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ચતુરભાઈ નરસિંહભાઈ પરમાર પોતાની નોકરી પૂરી કરીને સોમવારે રાત્રે વિજાપુરથી મહેસાણા ઘરે આવ્યા બાદ તેમને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા,

જ્યાં હૃદયરોગના હુમલાને પરિણામે તેમનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક મહિના બાદ નિવૃત્ત થનાર ચતુરભાઈના મોતને પગલે પોલીસબેડામાં આઘાત સાથે શોક પ્રસરી ગયો હતો.