રાજકારણ@ગુજરાત: વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના વિધાનસભા ગૃહમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થયો છે. ચોમાસા સત્રના પ્રારંભમાં અંધશ્રધ્ધા વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો તેમજ સત્ર શરૂ થયા પહેલાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે 'બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે.
ચોમસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન ને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરીપ્રથા, કાળો જાદુ અટકાવવા અને (એનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી. જોકે વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે એમ નથી, પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીનાં 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે, જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
આ પહેલાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એડવોકેટ હર્ષ રાવલ મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ ચાલી હતી. અરજદારનું કહેવું હતું કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે, જેથી રાજ્ય એની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવ પણ મૂક્યા હતા. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે, જેથી હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધાં છે એ અંગે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવાં કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ ગુજરાત સરકારે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો, જેને આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો.
શૈલેષ પરમારનો સવાલ-શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ 176 શિક્ષક વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે.
કુબેર ડિંડોરનો જવાબ-શાળામાં શિક્ષકોની ઘટની બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ 176 શિક્ષક શાળામાં હાજર નથી. કુલ 134 શિક્ષક ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકની વાત કરે છે એ નથી પણ કુલ 134 શિક્ષક છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 130 શિક્ષક પૈકી 10ને બરતરફ કર્યા છે જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી.
.
અધ્યક્ષ-જ્યારે ગૃહમાં સવાલ કરવામાં આવે ત્યારે પૂરતા પુરાવા સાથે એ સવાલ હોવા જોઈએ માટે આ તમામ સવાલ રેકર્ડ પરથી દૂર કરું છું.
અમૃતજી ઠાકોરનો સવાલ-બે શિક્ષકોને મારા મત વિસ્તારમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સચિવ કક્ષાએથી માહિતી માંગે તો સમયસર માહિતી મળે છે. બે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકો હાજર રહેતા નથી.
કુબેર ડિંડોરનો જવાબ - બે શાળાની વાત કરી છે અને એમાં બે શિક્ષકો ગેરહાજર છે એમાં કાર્યવાહી કરી છે. બીજા શિક્ષકો આવતા નથી એ માટે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીએ છીએ. આટલા મહેકમમાં 1 કે 2 ટકા શિક્ષકો ખોટી પ્રવૃત્તિ કરે એમાં તમામ શિક્ષકો બદનામ થાય છે. જે ગેરહાજર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉમેશ મકવાણાનો સવાલ-31-7-24ની સ્થિતિએ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી કેટલાં બાળકોનાં મોત થયાં છે, વાઈરસ અટકાવવા શું પગલાં લીધાં?
ઋષિકેશ પટેલનો જવાબ-કુલ 164 કેસ છે, ચાંદીપુરા વાઈરસને કારણે 28 મોત છે, ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ કુલ 101 મોત છે. 164માંથી 101ને બાદ કરતા 63 બાળકોને બચાવી શક્યા છીએ. જેમાંથી 59 બાળકોને સારવાર આપી ઘરે મોકલી શક્યા છે જ્યારે 4 હજુ સારવાર લઈ રહ્યાં છે.
આ ઉપરાંત આજે ગૃહની કામગીરી શરૂ થતાં જ પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્યોની ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં આવ્યા બાદ ચૂંટણી જીતીને વિજેતા બનેલા અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિદ લાડાણી અને ચિરાગ પટેલને આજે અલગ મોભાનો અહેસાસ થયો હતો. આ ચારેય ધારાસભ્યો પૈકી ગૃહ ચાલુ થવાના સમય અગાઉ અર્જુન મોઢવાડિયા વિધાનસભા ગૃહમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા હતા. જો કે ભાજપના સભ્યોના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું એટલે જગ્યા પર બેસી ગયેલા અર્જુન મોઢવાડિયાને ગૃહમાંથી બહાર નીકળી અને ફરીથી એન્ટ્રી લેવા માટે વિનંતી કરી હતી.
તો બીજી તરફ અન્ય ધારાસભ્યો એવા સી જે ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણી તો પહેલેથી બહાર જ હતા. બાદમાં આ ચારેય ધારાસભ્યોએ એકસાથે ગૃહમાં એન્ટ્રી લીધી હતી. આ એન્ટ્રી સમયે મૂળ ભાજપના સભ્યોએ મને-કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું હતું.
અગાઉ વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહી ચુકેલા અર્જુન મોઢવાડિયાને અધ્યક્ષની પીઠ સામે પહેલી હરોળમાં સ્થાન મળ્યું છે. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા હોવાથી આ સ્થાન ઉપલબ્ધ થયું છે. વિધાનસભામાં તેમની બેસવાની જગ્યા બદલાતા અર્જુન મોઢવાડિયા પોતાની જૂની જગ્યાએ પડેલી ગાદી લઇને નવી જગ્યાએ તેને મૂકીને ગૃહમાં બેઠા હતા. અગાઉ વિપક્ષમાં રહેતા ડો.સી.જે. ચાવડા હવે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે હાલ વિધાનસભામાં જ્યાં પહેલાંથી જ અડધો ડઝન પૂર્વ મંત્રીઓ બેસે છે ત્યાં જ સી.જે.ચાવડાને અધ્યક્ષની સામે પણ બીજી હરોળમા પૂર્વ રાજ્ય મંત્રી કેશોજી ચૌહાણની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું છે.