રાજકારણ@ગુજરાત: અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને જામીન નહીં, 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5થી 50 હજાર સુધીનો દંડ

'બિલમાં ધર્મ અને અધર્મને અલગ પાડ્યા'

 
રાજકારણ@દેશ: અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને જામીન નહીં, 6 માસથી 7 વર્ષ સુધીની કેદ,5થી 50 હજાર સુધીનો દંડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે.  વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનૂમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે. આમ આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત 7 રાજ્ય બનશે.


આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ, કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેરખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને છ મહિનાથી ઓછી ન હોય એટલી પણ સાત વર્ષ સુધીની કેદની અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.


ચોમસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન ને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરીપ્રથા, કાળો જાદુ અટકાવવા અને (એનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી. જોકે વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે એમ નથી, પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીનાં 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે, જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.


બિલ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ નવા કાયદા માટે મારા સાથી મિત્રોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. કાયદા બનાવવાથી કાળા જાદુ અટકતા નથી એમ હું માનું છું પણ 182 ધારાસભ્યને આવા દૂષણ દૂર કરવા માટે પ્રજાએ જવાબદારી આપી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ જવાબદારી આપણા સૌની છે. ભુવાજીની વ્યાખ્યા છે સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં, સામાજિક અગ્રણી જેવા ભુવા અને આપણે જેને રોકવા માંગીએ છીએ એ બંને એક ગણતા હોઈએ તો અલગ વાત છે. ડાકણ કે ભુત વળગ્યું હોય તો સમાજની જે પ્રથા છે એ પ્રથા જાળવવા માટે ગયા હોય તો ખોટું નથી. દોરો બાંધવો, પીંછી મારવી, દીવો કરાવવો, પૂજા કરવી એને તથા વાળ બાંધીને લટાકવવા કે ગરમ સળીયા શરીર પર લગાડવા એની સરખામણી જ કેવી રીતે થાય? આ બંને ઘટના અલગ છે.


ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, તમે જે ભુવાજી પાસે જાઓ છો એની પાસે તો આખું ગામ જાય છે પણ ભુવાજીના નામનો ઉપયોગ કરીને બની બેઠેલા ભુવા જેને માત્ર સમાજના શોષિત લોકોની તકલીફોનો લાભ ઉઠાવી વર્ષોની બચત વપરાઈ જાય, જીવન ગુમાવ્યા છે એ જીવન બચાવવા માટેનો આ કાયદો છે. નોંધણી કરવા માટેના જે સુચન છે એ યોગ્ય છે. જેનાથી લોકોને માહિતી પ્રાપ્ત થશે એ સુચનનું પાલન કરવામાં આવશે. ખાનગી બિલ લાવનારા લોકો જ અહીં આવી ગયા છે. એ બિલમાં બદલાવ એ છે કે સાચા ભુવાજી અને ખોટા ભુવાજી અંગેની માહિતી છે જેમાં પોલીસની દખલઅંદાજી અંગેની વાત પણ નક્કી કરવામાં આવી છે. જે બિલ હતું એમાં ધર્મ અને અધર્મ એક થતું હતું. જ્યારે આ બિલમાં ધર્મ અને અધર્મ બંને અલગ છે. કિરીટ પટેલે મહારાષ્ટ્ર અને કેરળના બિલ વાંચ્યા છે પણ ગુજરાતના બિલના અમૂક પાના વાંચ્યા નથી. આ કાયદાની કલમ 3માં કાળા જાદુનો કોઈ પણ રીતે પ્રચાર નથી કરી શકતા, વિજીલન્સ અધિકારીના જ્યુરીડિક્શન અંગેની સ્પષ્ટતા કરી છે. એ સિવાય પણ જે સૂચન આવ્યા છે એનો અભ્યાસ કરી તેનો ઉમેરો કરવા વિચાર કરીશું.

રાજ્યમાં બનેલી અનેક ઘટના ના ઉદાહરણ હર્ષ સંઘવીએ ટાંક્યા
- બનાસકાંઠામાં નરબલિ આપવાથી લગ્ન થશે એવો વહેમ રાખી બાળકની હત્યા થઈ.
- ગીર સોમનાથમાં 14 વર્ષની પુત્રીને વળગણ હોવાની શંકા રાખી પોતાના ખેતરમાં 2 કલાક સુધી આગ લગાવીને દીકરીને ઉભી રાખવામાં આવે છે. દાઝેલી દીકરીને 4-5 દિવસ સુધી ખેતરમાં બાંધીને રાખતા દીકરીએ જીવ ગુમાવવો પડે છે અને પિતા પોતે જ દીકરીનો હત્યારો બને છે.
- અરવલ્લીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે.
- સુરતમાં ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને સગીર દીકરી પાસેથી પૈસા પડાવ્યા, શારીરિક સંબંધ બાંધ્યા.
- અમદાવાદના નારણપુરામાં 45 વર્ષનો ઢોંગી 25 વર્ષની દીકરીને લઈને ભાગી જાય છે.

આ 10 બાબત ગુનાહીત કૃત્ય ગણાશે
શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ –2 માં સ્પષ્ટતા કરી છે.

  1. માનવબલિ, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.
  2. ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી, અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વિગેરે.
  3. કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા.
  4. દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીજો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી. અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો બીજાના મનમાં ભય પેદા કરવો.
  5. કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા.
  6. મંત્ર તંત્રથી ભૂત-ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી.
  7. કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.
  8. આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો.
  9. પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
  10. અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.આ તમામ પ્રકારની બાબતનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


આ કાયદાની કલમ-5માં વિજિલન્સ ઓફીસરની નિયુક્તિની જોગવાઇ કરવામાં આવી છે, વિજિલન્સ ઓફીસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગના રહેશે. વિજીલન્સ ઓફિસરે પોતાના અધિકારક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે. વિજિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને ત્રણ માસની કેદ અથવા 5 હજાર સુધીનાં દંડ સાથેની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વિજિલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે.


આ કાયદામાં કઇ-કઇ બાબતોનો સમાવેશ ગુનાહીત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કલમ-12 માં કરવામાં આવી છે.

  1. પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમજ ઉપાસના, હરિપથ, કિર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો.
  2. ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાનિ કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી.
  3. તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહીં.

આ અધિનિયમમાં શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની સંવેદનશીલ ભેદરેખામાં કોઇ મુશ્કેલી ઉભી થાય તો, રાજ્ય સરકાર આ કાયદાને કલમ-13 હેઠળ બે વર્ષની સમય મર્યાદામા હુકમ કરીને આ અધિનિયમની જોગવાઇ સાથે અસંગત ન હોય તેવી જોગવાઇ કરી શકશે, એટલે બે વર્ષની મર્યાદામાં મુશ્કેલીઓ દૂર કરવાની જોગવાઇ કાયદામાં કરી છે.


આ બિલ અંગે ભાજપના ધારાસભ્ય ડી.કે સ્વામીએ જણાવ્યું કે, આ બિલને હું સમર્થન આપું છું. ભારતીય સંસ્કૃતિમાં લખ્યું છે કે જ્યારે કાળા જાદુ પરેશાન કરે ત્યારે હનુમાન, ગાયત્રી પાઠ કરવો જોઈએ. આજના સમયમાં અઘોરી કે મંત્ર-તંત્રની જરૂર નથી. સૌથી વધારે જો મંત્ર-તંત્ર નો જાદુ પરેશાન કરતો હોય તો એ ગરીબ અને વંચિત લોકોને છે. માનવ બલિદાન પણ લેવામાં આવે છે એ સંસ્કૃતિ માટે ધિક્કારને પાત્ર છે. આ બિલને સમર્થન કરું છું.


કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, ખાલી અભણ લોકો જ આવી ઘટનાના ભોગ બને છે એમ નથી પણ શિક્ષિત લોકો પણ આવી ઘટનાના ભોગ બને છે. અભણ લોકો તો કહી દેતા હોય પણ અધિકારી કે ધારાસભ્ય કોઈને કહે નહીં.આ બિલને મારું સમર્થન છે પણ એટલું કહીશ કે એક્શન જરૂરી છે. ઘણા કાયદા લાવ્યા પણ શું એ કાયદા લાવવાથી ગુજરાતમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું? કાયદો લાવો પણ એનું અમલીકરણ અને ઝડપી ન્યાય મળે એ જરૂરી છે. 5 એપ્રિલ 2020ના રોજ રાત્રે 9 વાગ્યે અને 9 મિનિટે દીવા પ્રગટાવવા અને 22 માર્ચ 2021ના રોજ કોરોના ભગાડવા થાળી વગાડવાની વાત થાય આ બધું શું છે? અગાઉ બિલ લાવ્યા ત્યારે પણ કાયદા અમલી હતા અને હાલ પણ ભારતીય દંડ સંહિતામાં આ જોગવાઈ છે જ. જો બિલની કોપી કરવી જ હતી તો થોડા સુધારા-વધારા કરવા જોઈતા હતા. કલમ 5માં તકેદારી અધિકારી નિમવાની વાત કરી છે. પરંતુ એનું જ્યુરિડિક્શન કેટલું રહેશે એ ઉલ્લેખ નથી. કોર્ટની અંદરથી જામીન લેવાના થાય અને રિમાન્ડની જોગવાઈ થાય તો લોકોને છેતરનારા અને બની બેઠેલા લોકોમાં ડર પેદા થશે. ટીવી ચેનલમાં જાહેરાત આવે છે જેનાથી પણ લોકો છેતરાય છે તો એવી જાહેરાત પર પણ પ્રતિબંઘ લાવવામાં આવે. તુષાર ચૌધરી હમણાં જ કહેતા હતા કે મારા વિસ્તારમાં એક ભુવાજી છે. એ ભુવાજી વોટ્સએપ પર એવો મેસેજ કરે કે મારી પાસે દારૂ પીવાના રૂપિયા ખુટે છે તો બીજા દિવસે એના ખાતામાં 15થી 17 લાખ રૂપિયા જમા થઈ જાય.


આ પહેલાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એડવોકેટ હર્ષ રાવલ મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ ચાલી હતી. અરજદારનું કહેવું હતું કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે, જેથી રાજ્ય એની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવ પણ મૂક્યા હતા. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે, જેથી હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધાં છે એ અંગે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવાં કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ ગુજરાત સરકારે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ સજા કરાશે. જ્યારે રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. આ બિનજામીન પાત્ર ગુનો ગણાશે