રાજકારણ@ગુજરાત: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે આકરા પ્રહારો કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં નેતાઓમાં અવાર-નવાર વિરોધ જોવા મળતો હોય છે. નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા હોય છે. ફરી એકવાર એવી ઘટના જોવા મળી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે હતા. સંઘવીએ લવ જેહાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા. કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં, કોઈ સુરેશ પણ સલીમ બનીને પ્રેમ કરશે તો તેને ન છોડવા માટે પોલીસ અને લોકોને જણાવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડોદરા શહેરના કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લવજેહાદ સહિતના મુદ્દે વાત કરી હતી. લવ જેહાદની ઘટનાઓ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તમને આ પ્રકારની માહિતી મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરજો, આપણે દીકરીની સાથે સાથે પરિવારને પણ બચાવવાની કામગીરી કરવાની છે.
પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા આપણે રોકવાનો છે અને લોકોના જીવન બરબાદ થતાં રોકવાની કામગીરી આપણે સૌ એ મળીને કરવાની છે. કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં, કોઈ સુરેશ પણ સલીમ બનીને પ્રેમ કરશે તો તેને પણ છોડશો નહીં, પણ પ્રેમના શબ્દને બદનામ નહીં થવા દઈએ. ગુજરાત પોલીસ અને નાગરિકો સાથે મળીને આ કરવાનું છે.