રાજકારણ@ગુજરાત: ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જાણો શું કહ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કાર્યકર્તાઓ અમુક બાબતે એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય છે. નસવાડીના તણખલા ગામે આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સાથે જોડાયેલા લોકો કૌભાંડો કરે છે. ભુપેન્દ્રસિંહ ઝાલા અને બળાત્કાર કેસમાં સંડોવાયેલા ધારાસભ્યનો વરઘોડો કાઢવો જોઇએ.
નસવાડીના તણખલા ગામે ગતરોજ આમ આદમી પાર્ટી, છોટા ઉદેપુરનું જન જાગરણ અને સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, જેટલા પણ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એ કૌભાંડો કરે છે, બે નંબરના ધંધાઓ કરે છે. ફ્રોડ કંપનીઓ ઊભી કરીને લોકોના કરોડો રૂપિયા એકના ડબલ કરવાની લાલચ આપી પડાવે છે. છ હજાર કરોડનું કૌભાંડ તો આ ભુપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું છે. પણ, એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પરદા પાછળ એમને બચાવવા ફરે છે.
ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ અંગે આક્ષેપ કરતા કહ્યું કે, એમના એક ધારાસભ્ય પર કેસ કર્યો ને આજે 85 દિવસ થયા તેમ છતાં આજે પણ તે પોલીસ પકડથી દૂર છે. તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે. એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે. તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો અને અમે તો સરકારને કહીએ છીએ કે, ભુપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો, પેલા જે બળાત્કારમાં પકડાયેલા છે એ MLAનો પણ વરઘોડો કાઢો. સરકાર પોલીસ, સીબીઆઇ, ઇડી, ઈન્કમટેક્સ અને એમના વહીવટીતંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે.
વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, સરકારે શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ તેમજ એક વ્યક્તિને નોકરીના જે વચનો આપ્યા હતા તે પાળ્યા નથી. ત્યારે અમે કહીએ છીએ કે, નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાવ અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે. જે અસરગ્રસ્તો છે તેમને ન્યાય નહિ મળે, આ વિસ્તારમાં સિંચાઇનું પાણી નહિ મળે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો અમે તે પણ કરીશું. આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખેઆખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસ્યા છે, છતાં તેમને પ્રાથમિક ભૌતિક સુવિધા આપવામાં નથી આવી.
ચૈતર વસાવાએ ફરીથી અલગ ભીલ પ્રદેશ બનાવવાની વાત કરતા કહ્યું કે, આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસી આજે લાઈનોમાં જ છે. નોટ બંધીમાં લાઈનો, કોરોનામાં લાઈનો, બેંકોમાં લાઈનો, તાલુકા પંચાયતોમાં લાઈનો, મામલતદારમાં પણ લાઈનોમાં જોવા મળે છે, આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. જો સરકાર આદિવાસીઓનો વિકાસ કરવા નહિ આવે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ બનાવીશું અને એની રાજધાની અમે કેવડીયા રાખીશું. અમે આવનાર સ્થાનિક સ્વરાજ્યની તેમજ પાલિકા, નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી લડીશું. સત્તામાંથી એ લોકોને કઈ રીતે દૂર કરવાના છે એનું અમારું પ્લાનિંગ હશે.