રાજકારણ@જૂનાગઢ: ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડી મોટો ધડાકો કર્યો

અનઅધિકૃત બાંધકામ મામલે વર્ષ 2017માં જ તત્કાલીન કલેકટરને જાણ કરી દીધી હતી
 
રાજકારણ@જૂનાગઢ: ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડી મોટો ધડાકો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં કેટલાક દિવસથી અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળી રહ્યા છે. ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડી ફરી મોટો ધડાકો કર્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ કાર્યાલયનું બાંધકામ શરતભંગ કરીને કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. એટલું જ નહિ અનઅધિકૃત બાંધકામ મામલે વર્ષ 2017માં જ તત્કાલીન કલેકટરને જાણ કરી દીધી હતી.જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમણે પહેલા લેટરમાં જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ કાર્યાલયનું બાંધકામ પણ નિયમો નેવે મૂકીને કર્યું છે.

વોકળા દબાણોમાં પણ જનાબ શિરમોર છે.એમના દ્વારા નિર્મિત કિષ્ના આર્કેડ ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ કર્યું છે. ત્યારે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી કે જ્યાં બોલવાની પણ મનાઇ છે ત્યાં આવા સનસનીખેજ આક્ષેપો કરી જવાહર ચાવડાએ રાજકારણમાં ચકચાર જગાવી છે.હવે તેઓ આરપારની લડાઇ લડવા માંગતા હોય તેમ મોરચો સંભાળ્યો છે અને ભાથામાંથી એક પછી અનેક તીર નિશાને પર લગાવી રહ્યા છે. જવાહર ચાવડાની આ હિંમતથી ભાજપના અનેક અસંતુષ્ટો પણ અંદરખાને ગેલમાં આવી ગયા છે. તો કેટલાક આ મામલે ખુલીને મેદાનમાં આવી ગયા છે. જેને લઇને ભાજપ મોવડી મંડળ પણ ડેમેજ કન્ટ્રોલ મામલે માથું ખંજવાળી રહ્યું છે.

જૂનાગઢમાં ખામધ્રોળ ખાતે શરતભંગ થયેલી જમીન પર ગેરકાયદેસર રીતે મંજૂરી મેળવ્યા વિના દીનદયાળ ભવન નામે ભાજપ કાર્યાલયનું બિલ્ડીંગ ખડું થયું છે.જેનું ઉદ્ધાટન થવા જઇ રહ્યું છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી કે અન્ય કોઇ સેલીબ્રીટી દ્વારા ઉદ્ધાટન કરવામાં ન આવે તે માટે આપ વહિવટી વડા તરીકે તકેદારી રાખશો અને આ અનઅધિકૃત બાંધકામ બાબતે સરકારને અવગત કરાવશો.

જૂનાગઢમાં ખામધ્રોળ ચોકડીએ બનેલું જિલ્લા ભાજપ કાર્યાલયના બિલ્ડીંગનું બાંધકામ અનધિકૃત હોવાનું અને શરતભંગ સહિતના સંખ્યાબંધ નિયમો નેવે મુક્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચ્યો છે. શરતભંગ કરીને બનાવાયેલા આ બિલ્ડીંગનું ઉદઘાટન 20 ઓગસ્ટ-2017, રવિવારે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ હતુ, એ સમયની તસ્વીરોમાં જિલ્લા ભાજપના સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રીએ ઉદઘાટન મહેલા લખેલા પત્રમાં વહિવટી તંત્રનું ધ્યાન દોર્યુ હોવા છતાં રૂપાણી ઉદઘાટન માટે જૂનાગઢ આવ્યા હતા.

9 કારણો, જે ભાજપ કાર્યાલયને ગેરકાયદે સાબિત કરે છે !

માત્ર રહેણાંકના ઉપયોગ માટે બીનખેતી થઇ હોવા છતાં મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરી ભાજપ કાર્યાલય ઉભું કરી દીધું.

લે- આઉટ મુજબ પ્લોટની બાકીની જગ્યા ખુલ્લી મુકી દેવાની રહે છે, બાદમાં બાંધકામ કરવાનું હોય છે. તેને બદલે માર્જીન મૂકવામાં આવ્યું નથી.

બીનખેતીના પરવાનગી હુકમ મુજબ 6 માસમાં બાંધકામ મંજૂરી મેળવી 3 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું હતું.પરંતુ સમયમર્યાદા બહાર બાંધકામ કર્યું છે.

બાંધકામ શરૂ કરતા પહેલા તલાટી મારફત મામલતદારને 1 માસમાં જાણ કરવી જોઇએ. પરંતુ જાણ કરવામાં ન આવતા શરત ભંગ થઇ છે.

મનપાની મંજૂરી વિના બાંધકામ કરી શકે નહિ. તેમ છતાં મંજૂરી મેળવ્યા વિના જ નિયમ વિરૂદ્ધ બાંધકામ કરાયું હોય બીનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.

ખુલી જગ્યામાં 500 વૃક્ષ વાવવાની શરત હતી જેનું પણ પાલન થયું નથી.આવું એકપણ વૃક્ષ વવાયું ન હોય શરત ભંગ થતા બીનખેતીની મંજૂરી રદ થવી જોઇએ.

બીનખેતીની શરતો મુજબ બાંધકામ ન કરવાની શરતોનું ભંગ કરી બાંધકામ મંજૂરી મેળવી નથી. માટે બીનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.

વરસાદી પાણીના ભૂગર્ભ વહન માટે પરકોલેટીવ બોરવેલની વ્યવસ્થા કરેલ નથી. જેથી શરત ભંગ ગણાય જેથી બીનખેતીની મંજૂરી રદ કરવી જોઇએ.

રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ હોય હાઇ-વેની મધ્યરેખાથી 24 મિટર બાંધકામ રેખા મૂકી પ્લાન મંજૂર કરાવવો જોઇએ પરંતુ 24 મિટર બાદ બાંધકામ કરાયું નથી.

ભાજપમાં હાલ યાદવાસ્થળી ચાલી રહી છે, જેના કારણે કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા છે. કોંગ્રેસીઓ હવે બેઠા બેઠા હવે એ પાર્ટીનો તમાશો જૂએ છે, જે શિસ્તના ગાણા ગાતી હતી. કોંગ્રેસમાંથી યેનકેન પ્રકારે ખેચીખેચીને અનેક નેતાઓને ભાજપે પોતાના પક્ષમાં લીધા. ત્યારે ભાજપની મનસા કોંગ્રસને તોડવાની કે ડેમેજ કરવાની હતી. પરંતુ જેવું વાવો તેવું લણો એ ઉક્તિ મુજબ કોંગ્રેસને નુકસાન પહોંચાડવા ભાજપમાં લીધેલા નેતાઓ હવે ભાજપને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.ભાજપે આંબા આંબલી બતાવતા કોંગ્રેસના અનેક નેતાઓ પંજાનો સાથ છોડી ભાજપના કમળમાં ગયા પરંતુ હવે તેમજ કમળને બદલે વમણમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે.ધુરંઘર ગણાતા કોંગ્રેસીઓને ભાજપે સાવ હાંસીયામાં ધકેલી દીધા હોય સ્વમાન ઘવાતા તેઓ હવે લડાયક બની ગયા છે. જ્યારે ભાજપના જ અસંતુષ્ટો પણ તેને સપોર્ટ કરી રહ્યા હોય હાલતો ભાજપના કહેવાતા શિસ્તના લીરેલીરા ઉડી રહ્યા છે.