રાજકારણ@ગુજરાત: ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર, ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે

ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે
 
રાજકારણ@ગુજરાત: ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર, ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. બનાસકાંઠા બેઠક જીતી ગેનીબેન ઠાકોરે ભાજપનું સતત ત્રીજી વાર ક્લિન સ્વિપનું સપનું રોળી નાખ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને 10 વર્ષ બાદ માત્ર એક બેઠક મળી છે તે બનાસકાંઠા બેઠક છે. અહીં જીત મેળવ્યાના એક દિવસ બાદ જ ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતા કહ્યું હતું કે, ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાના સમાજની તાકાત પર લડવું પડે એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે.


લોકસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને એકમાત્ર બનાસકાંઠા બેઠક પર જીત મળી છે. જો કે, ગુજરાત કોંગ્રેસ માટે આ જીત મોટી ગણાઈ રહી છે. કારણ કે, છેલ્લી બે ટર્મથી પાર્ટી એકપણ બેઠક જીતી શકતી ન હતી. આ વખતે ગેનીબેન ઠાકોરે ભાજપના 26માંથી 26 બેઠક જીતવાનું સપનું રોળી નાખ્યું છે. બનાસકાંઠા બેઠક પર જીત મળ્યાના ગણતરીના કલાકોમાં જ ગેનીબેન દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટકોર કરવામાં આવી છે. પાર્ટીના સંગઠન અંગે વાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો છે કે, સંગઠનની કામગીરી ઝીરો ગ્રાઉન્ડ પર ભાજપની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ઘણો બધો અભાવ છે. જેના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે. એના બદલે પેરેલલ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે.


ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણ પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાની મોટી સજા કરો. જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી.


ગેનીબેન ઠાકોર હાલ વાવના ધારાસભ્ય છે. કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં તેને મેદાને ઉતાર્યા હતા. તો સામે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. કોંગ્રેસને ગુજરાતમાં કેટલીક બેઠક મળવાનો અંદાજ હતો તેમાંની એક બનાસકાંઠા બેઠક પણ હતી. જે ગેનીબેન ઠાકોરે જીતી બતાવી છે.


બનાસકાંઠામાં દરેક મુદ્દા ઉપર બેબાક બોલતા ગેનીબેને એકલા હાથે આખી ચૂંટણી લડી હતી. ગેનીબેનને એક લાભ એ થયો કે, કોંગ્રેસે તેમનું નામ પહેલું જાહેર કરી દેતા તેમણે એક પણ ચૂંટણી કાર્યાલય ખોલ્યા વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હર હંમેશ અલગ અલગ વિષયો મૂકીને ચર્ચામાં રહ્યા હતા. બનાસ ડેરી બનાસ બેંક સામે તેઓ હંમેશા નિશાન સાધતા રહ્યા. ભાજપના ઉમેદવારના હું ભણેલી ગણેલી શિક્ષિત મહિલા છું તેવા નિવેદનના સામે ગેનીબેને બનાસની બેનના મામેરા ભરવાનો ભાવનાત્મક માહોલ ઊભો કર્યો અને ગામેગામ મામેરુ ભરવા ટહેલ કરી અને કેટલાય ગામમાંથી હજારો રૂપિયા દાન પેટે મળવા લાગ્યા હતા.