રાજકારણ@ગુજરાત: આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ કાર્યભાર સંભાળશે
કેબિનેટ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1 અને રાજ્યકક્ષાના સ્વર્ણિમ સંકુલ 2માં બેસશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધી સંપન્ન થઈ ગઈ છે. શપથવિધી બાદ મોડી સાંજે ખાતા ફાળવણી કરી દેવામાં આવી હતી. આજે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓ તેમના સંબંધિત કાર્યાલયોમાં કાર્યભાર સંભાળશે. આ દરમિયાન તેમના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 1માં બેસશે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 2માં બેસશે.
નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ હતી. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.