ચૂંટણી@ગાંધીનગર: મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં કુલ 2,59,780 મતદારોનો સમાવેશ થાય છે , જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરેલા 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.
તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટે 295 બૂથ ઉભા કરાયા છે અને તેમાંથી 90 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે 5 ચૂંટણી અધિકારી, 5 મદદનીશ ચૂંટણી અધિકારી અને 1700 પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. સુરક્ષા વ્યવસ્થા માટે 1130 પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા છે. ઈવીએમ પ્રક્રિયા માટે તંત્ર દ્વારા 730 BU અને 364 CU મશીનોની ફાળવણી કરવામાં આવી છે.
શાંતિપૂર્ણ રીતે ચાલતા મતદાન વચ્ચે વાવોલ કુબેનગરની એમ. બી. પટેલ સ્કૂલ બહાર ભાજપ પક્ષની છત્રીઓ મૂકવા બાબતે માહોલ ગરમાયો હતો. વોર્ડ 7 કુબેરનગર મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસ સામેસામે આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો હતો. ભાજપ પક્ષની છત્રીઓ મુકી આચાર સહિતાનો ભંગ કરવામાં આવ્યો.
પૂર્વ મેટર અને MLA રીટા પટેલ સમર્થકો સાથે ઢોલ સાથે પહોંચી મતદાન કર્યું.આજે મનપાની ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ધમધમતો રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ માહિતી કે રજૂઆત માટે નાગરિકો કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરી શકશે.

