ચૂંટણી@ગાંધીનગર: મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર કર્યા

અત્યાર સુધીમાં 35 ઉમેદવારના નામ જાહેર કરાયા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા રણનીતિના ભાગરૂપે વધુ 16 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અગાઉ જાહેર કરાયેલા 19 ઉમેદવારો સાથે મળીને અત્યાર સુધી 35 બેઠક પર ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ વોર્ડ નંબર 2 માંથી સૂર્યસિંહ ડાભીનું સામે આવ્યું છે, જેમના રાજકીય પ્રવાસ અને પક્ષ પલટાની ચર્ચાઓ હાલ સ્થાનિક રાજકારણમાં કેન્દ્રસ્થાને છે.

જ્યારે વોર્ડ-4 અને 5માં તમામ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. સાથે જ વોર્ડ-6ના બેઠક નંબર ત્રણ પર પછાત વર્ગનો ઉમેદવાર પણ જાહેર કરાયો નથી. જો કે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલની સ્થિતિ ટાળવા આ નવ ઉમેદવારોને સીધા જ મેન્ડેન્ટ આપી ફોર્મ ભરી દેવાની સૂચના મળે તો નવાઈ નહીં.

વોર્ડ નંબર 2માં સામાન્ય બેઠક પરથી ટિકિટ મેળવનાર સૂર્યસિંહ ડાભી અગાઉ કોંગ્રેસ પક્ષમાં જ જિલ્લા અને શહેર પ્રમુખ જેવા મહત્વના પદો પર સેવા આપી ચુક્યા છે. જો કે સમય જતાં પક્ષે તેમને પદ પરથી હટાવીને સાઇડલાઇન કરી દીધા હતા, જેના કારણે નારાજ થયેલા સૂર્યસિંહે કોંગ્રેસ સાથેનો વર્ષો જૂનો નાતો તોડીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. આપમાં જોડાયા બાદ તેમને પ્રદેશ મંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ આ પદ તેમને માત્ર એક 'લોલીપોપ' સમાન લાગતા તેઓ આપથી પણ છેડો ફાડીને આખરે ફરીથી પોતાના જૂના પક્ષ કોંગ્રેસના શરણે પરત ફર્યા છે.

કોંગ્રેસ મોવડી મંડળ સાથે થયેલી આંતરિક સમજૂતી અને નક્કી થયા મુજબ જ તેમને અંતે વોર્ડ નંબર 2માંથી મેદાને ઉતારવામાં આવ્યા છે. સૂર્યસિંહ ડાભીની આ ઘરવાપસી અને ટિકિટ ફાળવણીથી વોર્ડ નંબર 2નું રાજકીય સમીકરણ રસપ્રદ બની ગયું છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી રણનીતિને વધુ ધારદાર બનાવવામાં આવી છે.ત્યારે આ રાજકીય ઉથલપાથલ આગામી ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડે છે તે તો સમય જ બતાવશે.