ચૂંટણી@રાજકોટ: 11 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોનું એક લિસ્ટ મહામંત્રીની સહી વગર જ સોશિયલ મીડિયામાં ફરતું થયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આજે ભાજપે અમદાવાદ, પાટણ, નર્મદા જિલ્લાના પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં 2, સિદ્ધપુર નગરપાલિકામાં 4, દહેગામ ન.પા. 3, વિરમગામ તા.પંચાયતમાં 1, ધંધુકા તા.પંચાયતમાં 1 અને સાણંદ તા.પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોનું એક લિસ્ટ મહામંત્રીની સહી વગર જ સોશિયલ મીડિયામાં ફરતું થતા કાર્યકર્તાઓ મૂંઝાયા છે.

