આગાહી@ગુજરાત: સુરત, નવસારી, વલસાડમાં ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહીથી ખેલૈયા ચિંતિત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતમાં આગામી માસના હવામાન અંગે આગાહી કરવામાં આવે છે. હવામાન વિભાગે ઓક્ટોબરમાં રાજ્યનું વાતાવરણ અંગે આગાહી કરી છે. સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લે છે, એ સમયગાળામાં રાજ્યનું વાતાવરણ શુષ્ક રહે છે અને ઠંડીની શરૂઆત થાય છે. ઓક્ટોબરથી ધીમે ધીમે દિવસ અને રાત એકસમાન બનવા લાગે છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે. તેમજ સમગ્ર દેશમાં લા નીનાની અસર વર્તાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં 71% લા નાીના અસર રહેશે, જેને કારણે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ રહી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાની વિદાય સામાન્ય તારીખ મુજબ જ રહેવાની શક્યતા છે, જોકે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં વરસી શકે છે. સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે, જે આ વર્ષે પણ યથાવત્ રહેવાની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગમાંથી હજુ ચોમાસાની વિદાય લેતાં એક સપ્તાહથી વધુ સમય લાગી શકે છે, એટલે કે નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતવાસીઓની મજા બગડી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર- હવેલીમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. જોકે આ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે.
ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના તાપમાન વિશે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની એક મહિનાની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, એટલે કે ગુજરાતવાસીઓને ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં લોકોને આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદમાં ભીંજાશે તથા રાજ્યના અન્ય ભાગોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે કે એક જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 48% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે, પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયા બાદ ગુજરાત રાજ્યમાં વરસાદની એવી કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. જોકે આ વર્ષે નૈઋત્યના ચોમાસાની વિદાય તેની સામાન્ય તારીખ મુજબ જ આગળ વધી રહી છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી ચૂકી લીધી છે, ત્યારે આગામી સપ્તાહમાં મધ્ય ગુજરાત અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે.
આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે તથા સામાન્ય કરતાં 48 ટકા વધુ વરસાદ રહ્યો છે, એ બાબતે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે દરેક ઋતુમાં એની અસર વધુ માત્રામાં વર્તાઈ હતી, જેમ કે ઉનાળાની ઋતુમાં ગુજરાતમાં આ વર્ષે અત્યંત અંગ ઝરતી ગરમી વરસી હતી, જ્યારે ચોમાસામાં પણ સામાન્ય કરતાં 48% વધુ વરસાદ વરસ્યો છે, એટલે કે દરેક ઋતુની તીવ્રતા વધી રહી છે તથા લા નીનાની અસરને કારણે આ વર્ષે દેશભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે, જેનું કારણ છે કે દેશભરમાં આ વર્ષે 14 જેટલાં લો પ્રેશર સર્જાયાં હતાં. એમાંથી મોટા ભાગના લો પ્રેશર બંગાળની ખાડીમાંથી પશ્ચિમ તરફ આગળ વધીને ગુજરાત અને રાજસ્થાન તરફ આવ્યાં હતાં તથા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને અરબ સાગરમાં પણ આ વર્ષે લો-પ્રેશર સર્જાયાં હતાં, જેની અસરને કારણે ગુજરાતમાં વર્ષ 2024માં સારો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત છ જેટલાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહ્યો હતો તથા મોન્સૂન ટ્રફની સ્થિતિ પણ દક્ષિણના ભાગમાં વધુ રહેતાં ગુજરાત રાજ્યમાં સારો વરસાદ વરસ્યો હતો.