આગાહી@ગુજરાત: રાજ્યમાં આગામી 2 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે. વરસાદને કારણે નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.