રિપોર્ટ@વડોદરા: પૂરથી બચાવવા માટેનું કામ શરૂ, વળતર ચૂકવીને સોસાયટીઓ હટાવવા તૈયારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. ભારે વરસાદ વરસ્યા બાદ મેઘરાજા વિરામ લઇ રહ્યા છે. ગત 26 ઓગસ્ટે વડોદરામાં પડેલા 12 ઇંચ વરસાદથી વિનાશક પૂર આવ્યું હતું. આ પૂર પાછળ વિશ્વામિત્રી નદીમાં થયેલા દબાણ હોવાની વાત હવે ઓપન સિક્રેટ છે. વડોદરાને પૂરથી બચાવવા માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરી દીધી છે. ફંડનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ થાય તે માટે ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાને મેદાનમાં ઉતાર્યા છે. તેમના નેતૃત્વમાં હાઇ લેવલ કમિટી પણ બનાવી દેવામાં આવી છે.
આમ વડોદરાને પૂરથી બચાવવા પૂરજોશમાં કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે મળેલી મળેલી માહિતી પ્રમાણે આ દબાણો પૈકી જે કાયદેસરના બાંધકામો છે. તેવા બાંધકામો દૂર કરવા માટે તેના માલિકોને સમજાવવામાં આવશે અને કિનારા પાસેની જગ્યા ખૂલ્લી કરવામાં આવશે. જ્યારે જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીના કિનારે વસાહતો, રેસિડેન્સ, કોમર્શિયલ અને ફાર્મ હાઉસ જેવા દબાણો છે.
વડોદરા કોર્પોરેશનમાં બુધવારે સામાન્ય સભા મળી હતી. સભા વિશ્વામિત્રી નદીના પૂરપીડિતોને કેશ ડોલ, સહાય, વિશ્વામિત્રી નદી ઉપર થયેલા દબાણો અને વિશ્વામિત્રી નદીમાં મળતી ભૂખી કાંસ ઉપરના દબાણોને લઇને તોફાની બની હતી. સભામાં સત્તાપક્ષ દ્વારા વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ ઉપરના દબાણો કોંગ્રેસના શાસન સમયે થયાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે વિપક્ષે જણાવ્યું કે, દબાણો કોના સમયમાં થયા તે ચર્ચાનો વિષય નથી. હવે વડોદરાને આવનારા સમયમાં પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ ઉપરના કાયદેસરના બાંધકામો હોય કે ગેરકાયદે દબાણો હોય તે દૂર કરો. તો બીજી બાજુ વિશ્વામિત્રી નદીમાં આવનાર સમયમાં પૂરને અટકાવવા માટે સરકાર દ્વારા નિયુક્ત કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ગઈકાલે 18મી સપ્ટેમ્બરે બેઠક કરવામાં આવી હતી. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 26 ઓગસ્ટે આવેલા પૂરે સરકારની ઉંઘ હરામ કરી નાંખી છે.
બુધવારે મળેલી સામાન્ય સભામાં પૂર પીડિતોને 22 દિવસ પછી પણ કેશ ડોલ અને સહાય મળી નથી તેવા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઉપ નેતા જહાં દેસાઇ, ભાજપા કાઉન્સિલર આશિષ જોષીએ આક્ષેપ કર્યો હતો.
વિપક્ષ અને ભાજપા કાઉન્સિલરના આક્ષેપ અંગે ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, આ વખતે સરકાર ઉદાર હાથે કેશ ડોલ અને સહાય આપી રહી છે. હાલમાં પણ સર્વે ચાલી રહ્યું છે. એક પણ પૂરપીડિત કેશ ડોલ અને સહાય વગર વંચિત રહેશે નહીં. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સભાગૃહમાં જવાબ આપતાં જણાવ્યું કે, 15 સપ્ટેમ્બરથી સર્વે શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી બે ત્રણ દિવસમાં સર્વે પૂરો થઇ જશે. છતાં, કોઇ બાકી રહી જશે તો તેઓને પણ સહાય ચૂકવવામાં આવશે. તેવી હૈયાધારણ આપી હતી.
ભાજપા કાઉન્સિલરની આક્રમક રજૂઆત સામે સત્તા પક્ષના નેતા મનોજ પટેલે જણાવ્યું કે, સર્વે ચાલી રહ્યું છે, તમામને કેશ ડોલ અને સહાય મળનાર છે. છતાં એક વાત પકડી રાખો છો. તેમ જણાવતા ભાજપાના બંને કાઉન્સિલરો વચ્ચે તડાફડી થઇ હતી. બીજી બાજુ વિપક્ષે પણ ભાજપાના બે કાઉન્સિલર વચ્ચે ચાલી રહેલી તડાફડી વચ્ચે કેશ ડોલ અને સહાયના મુદ્દે રજૂઆત ચાલુ રાખતાં અકળાઇ ઉઠેલા નેતાએ કહ્યું કે, એકના એક મુદ્દાને લઇને સભાને બાનમાં લેવાનો પ્રયાસ ન કરો.
સહાય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ નેતા અમીબેન રાવતે જણાવ્યું કે, કમિશનર અને સરકાર ખાતરી આપે કે, તા 24 જુલાઇ અને 26 ઓગસ્ટના રોજ આવેલા બંને પૂરની સહાય આપશે. વિપક્ષની આ સવાલનો સત્તાપક્ષ કે કમિશનર જવાબ આપી શક્યા ન હતાં.
વિપક્ષના ઉપનેતા જહાં દેસાઇએ ભૂખી કાંસના દબાણોને લઈ સવાલ ઉઠાવતા સભા ઉગ્ર બની ગઇ હતી. ભાજપા ધારાસભ્ય કેયુર રોકડીયાએ 1976નો નક્શો બતાવી જણાવ્યું કે, TP-12 કોંગ્રેસના સમયમાં મંજૂર થઇ હતી. કોંગ્રેસના 20 વર્ષના સમયગાળામાં ફાઈનલ પ્લોટ પડ્યા હતા. તે પ્લોટોમાં બાંધકામ થયેલા છે. તેની સાથે વિશ્વામિત્રી નદી ઉપરના દબાણોને લઇ સવાલો ઉઠતાં સભા ઉગ્ર બની હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ વિપક્ષી અમીબેન રાવતે જણાવ્યું કે, હાલ ભૂખી કાંસના દબાણો કે, વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો ભાજપ કે કોંગ્રેસના સમયમાં થયા તે ચર્ચાનો વિષય નથી. પરંતુ, આ વખતે આવેલા પૂરથી રૂપિયા 25 હજાર કરોડનું નુકસાન થયું છે. આથી આવનાર સમયમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર ન આવે તે માટે વિશ્વામિત્રી નદી અને ભૂખી કાંસ ઉપર જે કોઇના કાયદેસરના હોય કે ગેરકાયદેસરના દબાણો હોય તેને દૂર કરો. ભલે સોસાયટી નડતરરૂપ હોય તો તેણે દૂર કરો. કોર્પોરેશન દ્વારા ભલે લોકોને વળતર ચૂકવવું પડે. પરંતુ, વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટે નદી ઉપરના દબાણો દૂર કરો. અને વડોદરા શહેરને બચાવો.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીમાં આવનાર સમયમાં પૂર ન આવે તે માટે રૂપિયા 1200 કરોડ મંજૂર કર્યા છે. આ ફંડનો આયોજનબદ્ધ ઉપયોગ થાય તે માટે સરકાર દ્વારા પુનઃ એકવાર ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાને વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેમના વડપણ હેઠળની ટીમ વડોદરા કોર્પોરેશનમાં આવી હતી અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાની નિમણૂક કરવામાં આવી છે. આજે તેમના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોડ, વોટર કમિશન, ગાંધીનગરના ચીફ એન્જિનિયર એન. એન. રાય, એમ.એસ. યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરીગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ગોપાલ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર અંગે તૈયાર થયેલા પ્રોજેક્ટો અને વિચારો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તે માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમા થયેલી ચર્ચાનો અહેવાલ બનાવી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, આજે વડોદરા કોર્પોરેશનમાં વિશ્વામિત્રી નદીમાં પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે મળેલી બેઠકમાં કોર્પોરેશનના પદાધિકારીઓ કે ભાજપાના હોદ્દેદારોને બેઠકથી દૂર રાખવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં આવતું પૂર શહેરીજનો માટે ભયાનક પુરવાર ન બને તે માટે 15 વર્ષ પહેલાં ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાને જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે મેયર તરીકે બાલકૃષ્ણ શુક્લા હતા. તે સમયે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના પાણી કેવી રીતે રોકી શકાય તે માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઇક કારણસર વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ અભરાઇએ ચઢી ગયો હતો.
દરમિયાન તા. 26 ઓગસ્ટના દિવસે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરે નિદ્રાધીન સરકારને જાગવા મજબૂર કરી દીધી હતી. ત્યારે, સરકાર અને વડોદરા કોર્પોરેશન હવે આવનારા વર્ષોમાં વિશ્વામિત્રી નદી વડોદરામાં વિનાશક ન બને તે માટે ગંભીર બની છે. સરકારના આદેશ બાદ વડોદરા કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં 35 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદી ઉપર ડ્રોન સર્વે પણ શરૂ કરવામાં આવનાર છે.
જોકે, તે પૂર્વે કોર્પોરેશન દ્વારા સિકોન એજન્સી દ્વારા વિશ્વામિત્રી નદીની માપણી અને તેના ઉપર થયેલા દબાણો અંગે અહેવાલ કોર્પોરેશને તાજેતરમાં આપ્યો હતો. જે અહેવાલના આધારે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપર કેવા પ્રકારના દબાણો છે તેનું સર્વે શરૂ કરશે અને સર્વે બાદ યાદી તૈયાર કરશે. અને યાદી તૈયાર થયા બાદ જે ગેરકાયદેસર દબાણ હશે તેણે નોટિસ આપવામાં આવશે અને જેનું ગેરકાયદેસર દબાણ હશે તે દબાણકારોને નોટિસ આપવામાં આવશે અને તે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મળેલી માહિતી પ્રમાણે વર્ષ 1994ના GDCR પ્રમાણે 9 મીટર સુધીની માર્જિનની જગ્યા છોડવાની હતી. વર્ષ 2017ના નવા GDCR મુજબ 30 મીટર જગ્યા છોડવાની હતી. પરંતુ, જૂના GDCR મુજ્બ 9 મીટર જગ્યા છોડવાનો નિયમને નેવે મૂકીને 200 મીટર પ્રતિબંધિત ઝોન ઉઠાવીને બાંધકામ કરી દેવામાં આવ્યા છે. ખાનગી એજન્સીના અહેવાલને ધ્યાનમાં લઇ પાલિકા દ્વારા 150 જેટલા દબાણો વિશ્વામિત્રી નદી ઉપર હોવાનું જણાવી રહી છે. જોકે, હજુ પાલિકા દ્વારા હજુ સત્તાવાર સર્વે કરાવવામાં આવનાર છે. ત્યાર બાદ દબાણો અંગેની હકીકત બહાર આવશે.