કાર્યવાહી@ગુજરાત: રાજ્ય માહિતી આયોગને વહીવટમાં પારદર્શી સુધારા કરવા HCનો નિર્દેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઘણા સમયથી રાજ્ય માહિતી આયોગ દ્વારા જે રીતે કામગીરી ચલાવાઇ રહી છે તેમાં નાગરિક અભિગમ નહીં હોવાથી RTI કાર્યકર્તાઓમાં ભારે નારાજગી પછી આરટીઆઇ એકતા મંચે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરતા મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની ખંડપીઠના નિર્દેશ બાદ આયોગને વહીવટમાં પારદર્શી સુધારા કરવાની ફરજ પડી છે. માહિતી આયોગ દ્વારા અધિકારીઓને ઉચ્ચક દંડ કરવો, આયોગ દ્વારા અપીલની સુનાવણીમાં કોર્ટ કાર્યવાહી જેવો માહોલ ઊભો કરવો અને અરજદારોને મોબાઇલ ફોન બહાર મૂકાવવા સહિતની પ્રથા સહિતના મુદ્દાઓ RTI સંસ્થાઓ-કાર્યકરોને કાયદાની જોગવાઇની વિરુદ્ધમાં લાગ્યા હતા.
આરટીઆઇ એકતા મંચ દ્વારા જણાવાયું છે કે માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને જાહેર સત્તા મંડળોના વહીવટ બાબતે માહિતી મેળવવા કે સરકારી સંસ્થાઓની ખામીઓ ઉજાગર કરવા માગતા અરજદારો-નાગરિકોમાં માહિતી આયોગ દ્વારા જે રીતે વહીવટ ચલાવાતો હતો તેના કારણે નિરાશા જન્મે તેવી લાગણી ઉદ્દભવી હતી. આયોગના નકારાત્મક વલણના કારણે આયોગ જાહેર સત્તા મંડળોના અધિકારીઓની તરફેણમાં હોય તેવી છાપ પડી હતી. અપીલ કે ફરિયાદની રજૂઆત મર્યાદિત રહે, નિયત ફોર્મમાં શબ્દોની મર્યાદિત સંખ્યા રહે અને ફરિયાદ કરી શકાય તેવી પ્રથા ફરજિયાત બનાવાઇ હતી. અરજદારને માહિતી માગવાનું કારણ જરૂરી નથી તેવી જોગવાઇની વિરુદ્ધમાં કયા હેતુથી માહિતી માગી છે તેવા સવાલો પૂછવામાં આવતા હતા.
માહિતી આપવામાં વિલંબ થયાના નિષ્કર્ષ પર આયોગ આવે ત્યારે કેટલા દિવસનો વિલંબ છે તે નોંધ્યા વિના રોજના 250 રૂપિયાનો દંડનો કાયદો હોવા છતાં ઉચ્ચક દંડ કરાતો હતો. આયોગની નોટિસ-પત્રોમાં આયોગનો ઉલ્લેખ કોર્ટ નંબરથી કરાતો હતો. આરટીઆઇ એકતા મંચ દ્વારા આયોગના મુખ્ય આયુક્ત અમૃત પટેલને રૂબરૂ અને લેખિત રજૂઆતો છતાં કોઇ ફરક પડ્યો ન હતો. તેથી મંચના કન્વીનર પંકજ ભટ્ટે હાઇકોર્ટના સિનિયર વકીલ આનંદવર્ધન યાજ્ઞિક દ્વારા PIL કરતા ખંડપીઠે આયોગને નિર્દેશ આપ્યા હતા. જેમાં અરજદારોને મોબાઇલ વિગેરે લઇ જવામાંથી મુક્તિ, આયોગની તમામ સુનાવણીનું ઓપન હીયરિંગ હોલમાં જ કરવા અને અપીલ કરવાના ફોર્મમાં શબ્દોની સંખ્યા મર્યાદા દૂર કરાઈ છે.
આયોગ દ્વારા જણાવાયું છે કે અન્ય રજૂઆતો અંગે જે નિર્ણયો કરાયા છે તેનો અભ્યાસ કરીને આગળની નીતિ નક્કી કરાશે.