કાર્યવાહી@મોરબી: બસના ડ્રાઈવરને માર મારવાની બાબતમાં 4 આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો

બસના દરવાજાનો કાચ તોડી નુકશાન કર્યું
 
કાર્યવાહી@અમદાવાદ: 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઇસમને  1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મરીના કેસ ખુબજ વધી ગયા છે. લોકો નાની-નાની બાબતે ઝગડી પડતા હોય છે.  મોરબીના ઘૂટું નજીક એસટી બસ આડે રીક્ષા ઉભી રાખી રીક્ષામાં સવાર ચાર ઇસમોએ એસટી બસના ચાલકને માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ એસટી બસના દરવાજાનો કાચ તોડી નુકશાન કર્યું .  જે બનાવ મામલે પોલીસ ફરિયાદ બાદ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

ફરિયાદી પોતાની સુરેન્દ્રનગર મોરબી રૂટની એસટી બસ જીજે ૧૮ વાય ૪૨૫૬ લઈને મોરબી આવતા હોય ત્યારે મોરબી હળવદ રોડ પર ઘૂટું ગામ નજીક આરોપી રહીમ સંધવાણીની ઓટો રીક્ષા જીજે ૩ એયુ ૪૧૮૯ બસ આગળ ઉભી રાખી બસ રોકાવી ફરજમાં રૂકાવટ કરી વાહન ચલાવવા બાબતે બોલાચાલી કરી રીક્ષા ચાલક અને રીક્ષામાં બેસેલ બીજા ત્રણ માણસોએ લોખંડ પત્તી અને લાકડી વડે એસટી બસના સાઈડ ગ્લાસ અને દરવાજાનો કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું.  તેમજ એસટી બસના ચાલકને માર મારી ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જે ફરિયાદને પગલે પોલીસે આરોપી રહીમ યાસીન સંધવાણી (ઉ.વ.૨૬) રહે વિસીપરા મોરબી, સિકંદર ઉર્ફે સિકલો સીદીક સમા (ઉ.વ.૨૪) રહે સુરજબારી તા. ભચાઉ, અસ્લમ સીદીક સમા (ઉ.વ.૨૦) રહે સુરજબારી તા. ભચાઉ અને અલારખા સાંગલભાઈ કટિયા (ઉ.વ.૧૯) રહે અજીયાસર વાંઢ વિસ્તાર તા. માળિયા એમ ચાર વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ મોરબી સંજયભાઈ સી દવેએ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ૬ મૌખિક પુરાવા અને ૧૦ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે ચારેય આરોપીઓને કસુરવાન ઠેરવ્યા હતા.

કોર્ટે આરોપી રહીમ સંધવાણી, સિકંદર સમાં, અસ્લમ સમા અને અલારખા કટિયા એમ ચારેય ઇસમોને કસુરવાન ઠેરવીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૩ ની સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.  તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૭ ની સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં 1 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦૦૦ દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૩ માસની સખ્ત કેદની સજા ફટકારી છે. જે આરોપીઓ હાલ જામીન પર મુક્ત હોય જેને તાત્કાલિક જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે અને આરોપીઓએ બંને સજાઓ સાથે ભોગવવા હુકમ કર્યો છે.