કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા

 30,000નો દંડ ફટકાર્યો 
 
કાર્યવાહી@અમદાવાદ: કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાડજમાંથી કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપી કુટુંબી કાકાને પોકસોના ખાસ જજ હાર્દિક પિનાકીન મહેતાએ , ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને ~ 30,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે સિટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસ કમિટી ભદ્રમાંથી ~ 4 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વળતરની રકમમાંથી 50 ટકા નેશનલાઈઝ બેંકમાં ફિકસ ડિપોઝિટ પાંચ વર્ષ માટે મૂકવાની રહેશે.

વાડજ વિસ્તારમાંથી કિશોરીનું કુટુંબી કાકા સેંઘાભાઈઅે ગત 16-1-2020ના રોજ અપહરણ કરીને શિરડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે કિશોરીના પરિવારે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી સેંઘાભાઈની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસ ચાલતા સરકારી વકીલ ગૌતમ પી.દવેએ 13 સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો છે,

આરોપી સામે નિઃશંકપણે ગુનો પુરવાર થાય છે, દસ્તાવેજી પુરાવા જોતા પણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું ફલિત થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સેંઘાભાઈને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષ કેદની સજા ફ્ટકારી જેલના હવાલે મોકલી આપ્યો છે.

કુટુંબી કાકા થાય છે તેમ છતાં સંબંધને છાજે નહીં તેવું કૃત્ય આચર્યું: કોર્ટ

કોર્ટે નોંધ્યુ હતું કે, આરોપી ભોગ બનનારના કુટુંબી કાકા છે, આરોપી જ્યારે પોતે કુટુંબમાં ભોગ બનનારના કાકા થતા હોય ત્યારે આરોપી તે સંબંધના નાતે પણ ભોગ બનનાર સાથેની જવાબદારી ખૂબ જ વધી જાય. તેમને ભત્રીજીને સામાજિક દૂષણથી દૂર રાખવાને બદલે પોતે જ તેણીને મુંબઈ ત્યારબાદ શિરડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. જે વર્તણૂક ધ્યાને લેતાં પણ એક ગંભીર પ્રકારની તેઓની કાકા તરીકેની વર્તણૂક છે. ભારતીય સંસ્કૃતિની જ્યારે વાત કરવામાં આવે તો ગામમાં પોતાના ગામની દીકરીને બહેન તરીકે સંબોધવામાં આવે છે ત્યારે હાલના કેસમાં તો તે કુટુંબી કાકા થાય છે તેમ છતાં તે સંબંધને છાજે નહીં તેવું કૃત્ય ભોગ બનનાર સાથે કર્યું છે. સગીરવયની દીકરીઓ સાથે આ પ્રકારના ગુનાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડક સજા ફટકારવી ન્યાયહિતમાં જરૂરી છે.